સરદારની ટીકા બદલ માજી મુખ્યમંત્રી પાટીદારોના નિશાને

સરદારની ટીકા બદલ માજી  મુખ્યમંત્રી પાટીદારોના નિશાને
ગઢશીશા, તા. 20 : સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રતિમા સહિતનો આખો પ્રોજેકટ ગેરકાયદે છે અને આદિવાસીઓની જમીન સંપાદન, પૈસા એકટનો ભંગ થયો હોવાનું નિવેદન કરવા બદલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા સામે રોષ ફેલાયો હતો અને પાટીદાર સમાજે ગઢશીશામાં તેમનાં પૂતળાંનું દહન કર્યું હતું. શ્રી મહેતાએ કરેલા નિવેદનના ઠેરઠેર ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ એક નિવેદન કરીને સરદારની ટીકા સાંખી લેવામાં નહીં આવે તેવું જણાવ્યું ત્યારે કચ્છમાં પણ વિરોધ થઇ રહ્યો છે. પ્રતિમા અનાવરણ માટે `એકતા યાત્રા'નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના માજી મુખ્ય મંત્રી અને માંડવી તાલુકાના એક સમયના મોટા ગજાના રાજકીય આગેવાન સુરેશભાઇ મહેતા દ્વારા સરદાર પટેલ વિરુદ્ધ ટિપ્પણી કરતા પાટીદાર સમાજ દ્વારા રોષની લાગણી પ્રગટ કરતાં ગઢશીશા ખાતે વિસ્તારના રામપર, વેકરા, વિરાણી, લુડવા, રાજપર, રત્નાપર વિગેરે ગામોના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સુરેશભાઇ મહેતાના પૂતળાંનું દહન કરાયું હતું. મહેન્દ્ર રામાણી, ભાઇલાલ છાભૈયા, લાલજીભાઇ વેકરિયા, કાનજીભાઇ ગોરસિયા, જાદુભાઇ, મૂરજીભાઇ લેઉવા, હરેશ રંગાણી, જિતેન્દ્ર ભગત વગેરે જોડાયા હતા. માંડવીમાંય પૂતળા દહન માંડવી વિન્ડફાર્મ બીચ ઉપર આજે સાંજે માંડવી બીચ ધંધાદારી ગ્રુપે પૂર્વ મુખ્યમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું, તેમજ ભાજપના યુવા કાર્યકરે સરદારની પ્રતિમા-પ્રતિષ્ઠાને આંચ આવે તેવું સાંખી નહીં લેવાય તેવું જણાવ્યું હતું. બીજી બાજુ માંડવીમાંથી ધારાસભ્ય બની ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળનારા સુરેશભાઇ મહેતાની વિચારસરણી ધરાવતા લોકોએ ઉપરોક્ત પૂતળા દહનને માંડવી માટે ખૂબ શરમજનક લેખાવ્યું હતું તેમજ સુરેશ મહેતાને સરદાર પટેલ માટે સંપૂર્ણ માન છે તેવું જણાવ્યું હતું. આજના પૂતળા દહન કાર્યક્રમમાં કાનજી માલમ, મનજી, રવજી, કાસમ જુમા, જુસબ સુમરા, નીતિન સોની, કાનજી પટેલ, શિવજી પટેલ, આનંદ સોની, પુનિત જોષી વિગેરે જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer