ગાંધીધામમાંથી 1.72 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : આ પંચરંગી સંકુલની રેલવે કોલોની નજીકના રસ્તા પર ગેરકાયદેસર રીતે દારૂના વેચાણ સામે ગાંધીધામ એ. ડિવિઝન પોલીસે ધોંસ બોલાવી રૂા. 1,72,200ના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ એક આરોપી નાસવામાં સફળ થયો હતો. પૂર્વ કચ્છમાં દારૂ-જુગાર જેવી બદીએ માથું ઊચક્યું છે ત્યારે આ બદી પર અંકુશ મૂકવા માટે કાયદાના રક્ષકોએ જુદાં-જુદાં સ્થળે દરોડા પાડી રીતસરનો વ્યાયામ હાથ ધર્યો છે. પોલીસ સાધનોએ વિગત આપતાં જણાવ્યું હતું કે, રેલવે કોલોની છેલ્લો રોડ, કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ પાસે પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ વેળાએ પોલીસે ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ બોટલ નંગ-456-કિં. રૂા. 1,72,200નો કબ્જે કર્યો હતો. આ વેળાએ આરોપી મયૂર ગણપતલાલ સોલંકી પકડાયો હતો. આ દરોડા દરમિયાન 4 લાખની ટાટા કંપનીની ઝેસ્ટા ગાડી નં. જી.જે. 12 ડી.જી. 1362 સાથે મોબાઈલ ફોન નંગ-1-કિં. રૂા. 500 સાથે કુલ્લે રૂા.5,72,700નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો તેમજ ગાડીનો ચાલક પૂના ભરવાડ નામનો શખ્સ નાસી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. ગુજરાત અને કચ્છમાં ચુસ્ત દારૂબંધીના અમલ વચ્ચે આટલો મોટો જથ્થો ગાંધીધામ શહેર સુધી કેવી રીતે આવ્યો, આ જથ્થો કોનો હતો અને કોણે આપ્યો સહિતની કડીઓ અંકે કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. મંગાભાઈ બીજલભાઈ વિંઝોડાએ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer