હીરાના દાગીના માટેની યોજના સાથે ભુજમાં શરૂ કરાયેલા શો-રૂમને તાળાં મારી ગ્રાહકોને ધુતાયા

ભુજ, તા. 20 : સાચા હીરાના દાગીના માટેની હપ્તાવાળી યોજના જાહેર કર્યા બાદ 11 મહિના સુધી હપ્તા વસૂલી બારમાં મહિને આ શહેરમાં શરૂ કરાયેલો સોના-ચાંદીનો શો-રૂમ બંધ કરી નાખી પિતા-પુત્ર એવા ત્રણ ભાવનગરના ગ્રાહક સાથે રૂા. 1.65 લાખની ઉચાપત કરવાના મામલે મુંબઇના વાલકેશ્વર સ્થિત જાણીતી પેઢી ગીતાંજાલિ જ્વેલર્સના માલિક અને સૌરાષ્ટ્રના ભાવનગરના એક શખ્સ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાવનગરના રહેવાસી અને વ્યવસાયે નિવૃત્ત એવા અનિરુદ્ધાસિંહ જીલુભા ગોહિલે આજે અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420 અને 114 મુજબ આ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં આરોપી તરીકે ભાવનગરના રહેવાસી દિગ્વિજયાસિંહ જાડેજા તથા મુંબઇ ખાતે વાલકેશ્વર વિસ્તારમાં ગોકુળ એપાર્ટમેન્ટમાં દશમા માળે રહેતા અને મુંબઇમાં વાંદરા પૂર્વમાં કચેરી ધરાવતા ગીતાંજલિ જ્વેલર્સના માલિક મેહુલભાઇ ચોકસીને બતાવાયા છે. પોલીસસૂત્રોએ ફરિયાદને ટાંકીને આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીઓએ ભુજ શહેરમાં જ્યુબિલી ચકરાવાથી સંતોષી માતાજીના મંદિર તરફ આવતા ધોરીમાર્ગ ઉપર રોડની જમણી બાજુએ ગીતાંજલિ જ્વેલર્સના નામે સોના-ચાંદીનો શો-રૂમ શરૂ કર્યો હતો. આ પેઢી દ્વારા સગુન નામની યોજના ચાલુ કરાઇ હતી. જેમાં જે ગ્રાહક દર મહિને રૂા. પાંચ હજારના હિસાબે બાર મહિના સુધી હપ્તા ભરે તેમના માટે પાકતી મુદતે સાચા હીરાના દાગીના ખરીદવાની યોજના કાર્યરત કરાઇ હતી. આ પ્રકરણના ફરિયાદી ભાવનગરના શ્રી જાડેજાએ પોતાના અને પોતાના બન્ને પુત્રના નામે 11 મહિના સુધી રૂપિયા ભર્યા હતા. આ પછી બારમાં મહિને તેઓ હપ્તાની રકમ ભરવા ગયા ત્યારે આરોપીઓએ કોઇને પણ જાણ કર્યા વગર શો-રૂમ બંધ કરી નાખ્યો હતો. આ સમગ્ર કિસ્સો જુલાઇ 2013થી મે-2014 દરમ્યાન બન્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે વિધિવત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer