મોટા ધાવડામાં પરિણીત યુવતી પર ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજારાયો

ભુજ, તા. 20 : નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામે મધ્યરાત્રિના અંધકારનો લાભ લઇ પરિણીત યુવતીના ઘરમાં ઘૂસીને તેના ઉપર ગામના જ શખ્સે બળાત્કાર કર્યો હોવાનો મામલો પોલીસ દફ્તરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. ગત બુધવારે મધ્યરાત્રિએ બનેલા આ બનાવ બાબતે ભોગ બનનારી 27 વર્ષની વયની પરિણીતાએ ગામના જ મહાવીરાસિંહ ગેમરાસિંહ સોઢા સામે ગેરકાયદે ગૃહપ્રવેશ અને બળાત્કાર સહિતની કલમો તળે ગત મધરાત્રે ગુનો દાખલ કરાવ્યો હતો. નખત્રાણાના વરિષ્ઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.પી. બોદાણાએ તપાસ હાથ ધરતાં પુરાવા એકત્ર કરી આરોપીની ધરપકડ સહિતનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાત્રિના અંધકારનો લાભ લઇ દરવાજો ખોલીને આરોપી મહવીરાસિંહ સોઢા ભોગ બનનારના ઘરમાં ઘૂસ્યો હતો અને તેણે તેના ઉપર બળજબરીથી બળાત્કાર ગુજારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણ દિવસ જૂના આ કેસમાં જે-તે સમયે સમાજમાં ખરાબ લાગશે તેવી લાગણી સાથે ફરિયાદ કરાઇ ન હતી; તો ભોગ બનનારના પતિએ બનાવના આઘાતમાં ઝેરી દવા પી લેતાં તે સંબંધી વ્યસ્તતાને લઇને ફરિયાદ નોંધાવાઇ ન હતી. આ પછી અંતે ગત મધરાત્રે ફરિયાદ દાખલ કરાવાઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer