ચેક પરત ફરવાના કેસમાં ભુજના બે મોબાઇલ ધંધાર્થીને કેદ અને દંડ

ભુજ, તા. 20 : મોબાઇલ ફોનના વ્યવસાય અંતર્ગત ધંધાકીય સંબંધના નાતે નીકળતી ખાતા બાકી રકમના બદલામાં અપાયેલો ચેક બેન્કમાંથી પરત ફરતાં કરવામાં આવેલા નેગોશિયેબલ ધારા તળેના કેસમાં અદાલતે આરોપી ભુજના તાજ મોબાઇલ અને આ પેઢીના ભાગીદારો મહમદ ઇકબાલ નઝમુલહશન સૈયદ અને મહમદ ઇશાકભાઇ ખલિફાને એક વર્ષની કેદ અને રૂા. પાંચ-પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. ભુજની કે.પી.એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલક દ્વારા આ પ્રકરણમાં બન્ને આરોપી સામે ફરિયાદ લખાવાઇ હતી. અત્રેના ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જયેશ એ. દવે સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે બન્ને પક્ષને સાંભળી જરૂરી આધાર-પુરાવા તપાસી બન્ને આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા. ન્યાયાધીશે ચુકાદામાં બન્ને આરોપીને એક-એક વર્ષની કેદ અને બન્નેને પાંચ-પાંચ હજારના દંડની સજા સંભળાવી હતી. જો તહોમતદારો દંડની રકમ ન ભરે તો તેમને વધુ એક મહિનો સાદી કેદમાં રાખવાનો આદેશ પણ ચુકાદામાં કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે જિતેન્દ્ર મૂલચંદ ઝવેરી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer