શ્રીકાંત ડેનમાર્ક ઓપનમાં લિન ડેન સામે ટકરાશે

ઓડેંસે (ડેનમાર્ક), તા. 17 : ભારતનો સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંત ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડી હેંસ ક્રિસ્ટિયનને 21-16 અને 21-10થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. જયાં તેની ટકકર ચીનના સ્ટાર ખેલાડી લિન ડેન સામે થશે. બેડમિન્ટન સર્કિટમાં સુપર ડેન તરીકે વિખ્યાત આ ચીની ખેલાડી સામે શ્રીકાંતનો કેરિયર રેકોર્ડ 1-3 છે. બન્ને વચ્ચે આખરી મુકાબલો રિયો ઓલિમ્પિક વખતે થયો હતો. ત્યારે ત્રણ ગેમ બાદ શ્રીકાંતનો પરાજય થયો હતો. શ્રીકાંત ઉપરાંત સમીર વર્મા પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. સમીરે અપસેટ કરીને ત્રીજા ક્રમના ચીની ખેલાડી શી યૂકીને 21-17 અને 21-18થી હાર આપી હતી. જયારે મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીએ અમેરિકી જોડીને હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer