વાગડના રવેચી-મોમાયમોરા સહિત કચ્છભરમાં હવનાષ્ટમીની ઉજવણી કરાઇ

વાગડના રવેચી-મોમાયમોરા સહિત  કચ્છભરમાં હવનાષ્ટમીની ઉજવણી કરાઇ
ભુજ, તા. 17 : વાગડના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી મંદિર તથા મોમાયમોરાના મોમાય માતાજી મંદિર સહિત કચ્છભરમાં વિવિધ નુખ-પાંખડી દ્વારા હવનાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આદ્યશક્તિના નવલા નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આજે નવરાત્રિની આઠમ નિમિત્તે વાગડના યાત્રાધામ રવેચી માતાજીના મંદિર અને મોમાયમોરા ગામ ખાતે આવેલા મોમાય માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ઊમટયા હતા. આજે રવેચી મંદિર ખાતે મુંબઇ લેવા પાટીદાર યુવક મંડળ દ્વારા નવરાત્રિ દરમ્યાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાપર, નીલપર, ખીરઇ, ચિત્રોડ, રવ, નંદાસર, બાલાસર વિગેરે સ્થળોએથી પદયાત્રીઓ ઊમટયા હતા. તો ભુજ, માંડવી, અંજાર, મુંબઇ, ઔરંગાબાદ, વલસાડ, સુરત, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટમાંથી ભાવિકો ઊમટી પડયા હતા. મંદિર પરિસર ખાતે જમવા માટે, ચા-નાસ્તાનું તેમજ ભાઇઓ અને બહેનો દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થયેલી આવક ગાયોના ચારા માટે વાપરવામાં આવશે. મંદિરના મહંત ગંગાગિરિજીના સાંનિધ્યમાં સેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. તો મોમાયમોરા ખાતે આવેલા મોમાય માતાજીના મંદિર દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મંદિરના મહંત જગદીશગિરિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત દેશલપર (વાંઢાય) ખાતે ઉમિયા માતાજી સંસ્થાન, મંજલ, લખપતના ઘડુલી, ગઢશીશા, રાતાતળાવ, કોડાય, ખોડલધામ, વિથોણ, જિયાપર, દેવપર, તેરા ખાતે નાકર રાજગોર સમાજ, આણંદપર (યક્ષ), મોટા રેહામાં ચૌહાણ પરિવાર, ભચાઉ સહિતના સ્થળોએ હોમ-હવન, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer