કાઠડામાં આઠ દાયકાથી રંગભૂમિ ગાજે છે

કાઠડામાં આઠ દાયકાથી રંગભૂમિ ગાજે છે
રમેશ ગઢવી દ્વારા  કાઠડા (તા. માંડવી), તા. 17 : ગુજરાત અને બૃહદ ગુજરાતમાં જ્યાં પણ ગુજરાતીઓ વસ્યા છે ત્યાં આદિપરા અંબા મા આદ્યશક્તિની આરાધના વર્ષમાં ચાર વખત નવરાત્રિ રૂપે કરવામાં આવે છે. જેમાં આસો નવરાત્રિનું મહત્ત્વ અને મહાત્મ્ય ભક્તો અને માઈભક્તો માટે કંઈક અનેરો થનગનાટ લઈને આવે છે. સદીઓથી આસો નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. એવી જ સદીઓથી ઉજવાતી કાઠડા નવરાત્રિ જેમાં છેલ્લા 80 વર્ષથી માની આરાધના માટે અહીંના ભક્તો દ્વારા રંગમંચ પર સામાજિક અને ઐતિહાસિક સંદેશો પાઠવતાં નાટકો રજૂ કરી રહ્યા છે. જે કલાકારો ભક્તિમાં એટલા લીન હોય છે કે તેમનો અભિનય પ્રોફેશનલ તખતાના કલાકારને અચંબિત કરી મૂકે છે. ચાલુ વર્ષે કાઠડા નવરાત્રિ મિત્રમંડળની નવરાત્રિમાં ભજવાતાં નાટકોને 80 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે વિશેષ ઉજવણી રૂપે કાઠડા લોકગાયકનું આયોજન કરાયું છે. જેમાં કાઠડા ગામની તમામ જ્ઞાતિને ઈજન અપાયું હતું. લોકગાયક ત્રણ જનરેશન વિભાગમાં 42 સ્પર્ધકોએ ભાગ લઈને સરસ્વતી સાધના માટે આગળ આવ્યા છે. જેમ આપણે સૌ કચ્છવાસીઓ વાકેફ છીએ તેમ કાઠડાના આવડ ચોકે અનેક ભજનિકો, લોકગાયકો અને તખતાના કલાકારોને મંચ પૂરું પાડયું છે અને આ પરંપરાને જાળવી રાખવા માટે આ લોકગાયકનું આયોજન થયું હોવાનું મિત્રમંડળના પ્રમુખ ગોપાલભાઈ કારિયા અને ડાયરેક્ટર ઈશ્વરભાઈ કાનાણીએ જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં લોકગાયકના કન્વીનરો હરજીભાઈ પાસ્તા, ભારૂભાઈ શિણાઈ, કરમશી કાનાણીએ જણાવ્યું હતું કે, ત્રણ જનરેશન જેમાં પ્રથમ ગ્રુપમાં 6થી 16, બીજા ગ્રુપમાં 16થી 28 અને ત્રીજા ગ્રુપમાં 28થી કોઈ પણ ઉંમરના કલાકારોને ભાગ લેવા માટે જણાવાયું હતું. જેમાં 42 સ્પર્ધકોએ ભાગ લઈને આજ ગગનથી ચંદન ઢોળાય રે, સાથિયા પુરાવો, આવી આસોની રઢિયાળી રાત મોરી મા, સિંહણ હાલી રે, કાળી નાગણ હાલી જેવી કૃતિઓ રજૂ થઈ હતી અને શ્રોતાઓની વાહવાહ પ્રાપ્ત કરી હતી. નિર્ણાયકોએ નિર્ણયો લઈને સૂર-તાલ, શબ્દ અને રાગની પકડ મુજબ નંબર આપ્યા હતા. પ્રતિભાવો આપતાં નિર્ણાયકો પ્રદીપભાઈ ગઢવી, વીરેન્દ્રભાઈ કાનાણી, સામંતસિંહજી સોઢાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સંગીતમાં ભક્તિરસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને હવે તા. 13મીથી નાટક અબડો જામ, લાખણસિંહની કટાર તથા અમુક દિવસોમાં લોકગાયક સ્પર્ધા પણ યોજાશે. સ્પર્ધામાં સંચાલન દેવાંગભાઈ વીંઝાણી તથા નારાણભાઈ સાખરા કરી રહ્યા છે. તો સંગીતજ્ઞ તરીકે જગદીશભાઈ, મહેશભાઈ અને ખુશાલભાઈ બળિયા સેવા આપી રહ્યા છે. લોક ગાયક અંતિમ સ્પર્ધા તા. 24/10ના યોજાશે, જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેવું નવરાત્રિ મિત્રમંડળના ડાયરેક્ટર ઈશ્વરભાઈએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer