શરાફ બજાર ચોરીના સંદર્ભે એક આરોપી દબોચાયો

શરાફ બજાર ચોરીના સંદર્ભે  એક આરોપી દબોચાયો
ભુજ, તા. 17 : શહેરના ભીડ નાકા અને શરાફ બજારમાં સતત બે દિવસ સુધી નિશાન બનાવી 15થી 17 જેટલી દુકાનોના તાળાં-શટર તોડી તસ્કરી થઇ હતી જેમાં શરાફ બજારમાં થયેલી ચોરી સંદર્ભે એક આરોપીને ઝડપી મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ આરોપી પાસેથી બાકીનો મુદ્દામાલ કબ્જે કરવા તથા અન્યો કોઇ સામેલ છે કે નહીં તે અંગે આરોપીની સઘન પૂછતાછ પોલીસે આદરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગત તા. 15/10ના રાત્રિ દરમ્યાન શરાફ બજારમાં થયેલી ચોરી સંદર્ભે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે સુરલભિટ્ટ રોડ સ્થિત તાહનગરમાં રહેતા મુસ્તફા મોસીન ખાટકીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં મુસ્તફાએ ચોરી કબૂલાત કરી મુદ્દામાલ કાઢી આપ્યો હતો. આમાં હજુ પણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબ્જે કરવાની અને અન્યોની સંડોવણી અંગે આરોપીની સઘન પૂછતાછ પોલીસે કરી હતી. આ સંદર્ભનો પોલીસે ગુનો નોંધી આરોપીને પાલારા જેલ હવાલે કર્યો હતો. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી. બી. વાઘેલા તથા પોલીસ અધીક્ષક એમ. એસ. ભરાડા અને નાયબ પોલીસ અધીક્ષક જે. એન. પંચાલના સુપરવિઝન હેઠળ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. જે. એમ. આલની સૂચના-માર્ગદર્શન તળે આ ચોરીનો ભેદ ઉકેલવા પી.એસ.આઇ. એસ. એ. જાલોરી, ટી. એચ. પટેલ તેમજ હેડ કો. શૈલેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાજપૂત, રમેશભાઇ રાજપૂત, કોન્સ. દેવાભાઇ ચૌધરી, અમરતભાઇ સાપરિયા, મેહુલસિંહ ચૌહાણ વિ. જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer