ભુજમાં બેંક સાથે ઠગાઇ કેસમાં ત્રણ આરોપીની આગોતરાની માગણી ઠુકરાવાઇ

ભુજ, તા. 17 : અહીંની દેના ગ્રામીણ બેંક સાથે રૂા. 9.69 કરોડની છેતરપિંડીના ચકચારી કેસમાં મે. પ્રણામ ઇન્ડસ્ટ્રીઝના ત્રણ સંચાલકના આગોતરા જામીન અદાલતે નામંજૂર કર્યા હતા. અત્રેના છઠ્ઠા અધિક સેશન્સ જજ એલ.જી. ચૂડાસમાની કોર્ટમાં આરોપીઓ ગાવિંદ જીવરાજ રૂડાણી-પટેલ, નર્મદાબેન ગાવિંદ રૂડાણી-પટેલ અને સાગર ગાવિંદભાઇ રૂડાણી-પટેલ માટે આગોતરા જામીનની માગણી મુકાઇ હતી. ન્યાયાધીશે બંને પક્ષને સાંભળી જરૂરી આધાર-પુરાવા તપાસી આગોતરાની આ ત્રણેય અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી તથા કેસના ફરિયાદ પક્ષ કચ્છ દેના ગ્રામીણ બેંક વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી યોગેશભાઇ ભંડારકર હાજર રહ્યા હતા. ભુજમાં જી.આઇ.ડી.સી. ખાતે પ્રણામ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા આરોપીઓએ ધંધાકીય હેતુ માટે મશીનરી ખરીદવા બેંકમાંથી ધિરાણ લીધું હતું. આ પછી બેંકની જાણ બહાર યંત્રસામગ્રી વેચી નાખી તેમણે રૂા. 7.69 કરોડની છેતરપિંડી કરી હતી તેવી ફરિયાદ બેંકના મેનેજર જયપાલાસિંહ નવલાસિંહ જાડેજાએ લખાવી હતી. આ કેસમાં કરાયેલી આગોતરાની માગણી કોર્ટે ઠુકરાવી દીધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer