કચ્છના બોગસ બી.પી.એલ. રાશન કાર્ડ મામલે કાર્યવાહીનો હેવાલ આપવા હાઇકોર્ટનો આદેશ

ભુજ, તા. 17 : કચ્છ જિલ્લામાં બોગસ બી.પી.એલ. રાશન કાર્ડ કૌભાંડમાં છેલ્લા આઠ મહિનામાં કચ્છ વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પુરવઠા વિભાગમાં ઉચ્ચ અધિકારીઓને અનેક વખત આધાર પુરાવા સાથે લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જામનગરના પ્રભારી આદમભાઇ ચાકીએ રાજ્યની વડી અદાલતમાં જાહેર હિતની અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરતાં બે સપ્તાહમાં હેવાલ માગવાનો આદેશ કરાયો છે. ગુજરાત રાજ્યની વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણીના અંતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એન. એમ. પંચોલીની મુખ્ય બેન્ચે ગુજરાત સરકાર ખાદ્ય અને પુરવઠા વિભાગના નિયામક, પુરવઠા અધિકારી, સચિવ- કલેકટર, કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી અને પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છને નોટિસ પાઠવીને આ બોગસ બી.પી.એલ. રાશન કાર્ડ કૌભાંડમાં ફરિયાદીની વિવિધ તારીખોવાળી ફરિયાદોના અંતે થયેલી કાર્યવાહી સાથેના વિસ્તૃત અહેવાલ અંગેનો એકશન ટેકન રિપોર્ટ આગામી બે સપ્તાહમાં તા. 30-10 સુધીમાં અદાલતમાં રજૂ કરવાનો આદેશ કરાયો છે. ફરિયાદી આમદભાઇએ કચ્છના વહીવટી તંત્રને ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં કચ્છ જિલ્લામાં બોગસ બી.પી.એલ. રાશન કાર્ડ બાબતે ફરિયાદ કરી હતી. જેમાં શહેરની ચાલીસ જેટલી સસ્તા અનાજની દુકનોમાં બોગસ બી.પી.એલ. રાશન કાર્ડની તપાસની માગણી કરી હતી જેમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે આ કાયદા તળે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માગણી કરવામાં આવી હતી ત્યારબાદ આ કૌભાંડ મામલે છેલ્લા આઠ મહિનામાં કચ્છના વહીવટી તંત્રને વખતો વખત ફરિયાદી તથા ડો. રમેશ ગરવા અને?ઘનશ્યામસિંહ ભાટી અને એડવોકેટ હનીફ ચાકી સહિતના પ્રતિનિધિ મંડળે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ જિલ્લા વહીવટી તંત્ર આ સમગ્ર પ્રકરણમાં કૌભાંડના મુખ્ય સૂત્રદારોને છાવરતું હોય અને બચાવવાના પ્રયાસ થતાં હોય એવું લાગતાં ના છૂટકે ગુજરાત રાજ્યની વડી અદાલતનું શરણ લેવાની જરૂર પડી હતી. હાઇકોર્ટમાં બોગસ બી.પી.એલ. રાશન કાર્ડ કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સુરેશ સેલટ અને શિવાંગ એમ. શાહ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી જેના પગલે આજે ગુજરાત રાજ્યની વડી અદાલતે આ આદેશ જારી કરતાં બોગસ બી.પી.એલ. કાર્ડના કૌભાંડ કરનારામાં ફફડાટ ફેલાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer