પાણી વગર ગરબા પધરાવવા કયાં જવા ?

રાયધણપર (તા. ભુજ), તા. 17 : કચ્છમાં વરસાદ ન થતાં ચારેકોર ઘાસચારા અને પાણીની ખેંચ છે પરંતુ વરસાદના અભાવે હવે નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોને પણ અછતની અલગ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડવા જઇ રહ્યો છે. મા જગદંબાની આરાધનાનું નવરાત્રિ પર્વ હવે અંત તરફ જઇ રહ્યું છે ત્યારે ગરબીના અંતિમ દિવસે માતાજીના ગરબાને પધરાવવા કયાં જવા આ પ્રશ્ન હાલમાં ગ્રામીણ પંથકને સતાવે છે. ગામડાઓમાં દરેક ઘરે નવરાત્રિ દરમ્યાન માતાજીના ગરબાની સ્થાપના કરી નવ દિવસ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને નવરાત્રિની અંતિમ રાત્રે ગામના મુખ્ય ગરબાની સાથે જ દરેક ઘરમાંથી માતાજીના ગરબા એકઠા કરી વાજતે-ગાજતે જે તે ગામના તળાવમાં માતાજીના ગરબાને પધરાવવામાં આવતા હોય છે. ગામડામાં આ વર્ષો જૂની પરંપરા છે. ચાલુ વર્ષે કચ્છમાં વરસાદનું ટીપુંય પાણી ગામડાના તળાવોમાં બચ્યું નથી ત્યારે માતાજીના ગરબા પધરાવવા મુદ્દે ભાવિકો ભારે વિમાસણમાં છે. રાયધણપર રામ મંદિરના પૂજારી અને કર્મકાંડી કિરણ મારાજે આ મુદ્દે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે જો ગામના તળાવમાં પાણી ન હોય તો ગામની સીમમાં ગમે ત્યાં નદી કે નાનકડા તળાવમાં પણ કુદરતી પાણીનો સ્રોત હોય ત્યાં ગરબો પધરાવી શકાય તેટલી માત્રામાં પાણી હોય તો ત્યાં ગરબાને પધરાવી શકાય પરંતુ આ પ્રકારનું પાણી દૂષિત-ગંદુ કે ગટરનું પાણી ન હોવું જોઇએ. રાયધણપર નવરાત્રિ મંડળના ભાવિક મનોજ વાલજીભાઇ કોઠારીએ જણાવ્યું કે ગામ તળાવમાં પાણીના અભાવે આ વર્ષે માત્ર ગામના મુખ્ય ગરબાને જ અન્ય કોઇ જગ્યાએ પાણીમાં પધરાવવાનો નિર્ણય કરશું. તે સિવાયના દરેક ઘરના ગરબા ગ્રામજનો પોતાની વ્યવસ્થાએ ગરબાને પધરાવે તેવું વિચાર્યું છે. દરમ્યાન ગામડામાં આજે પણ એક એવી પરંપરા રહેલી છે કે ભાવિક ખેડૂતો પોતાના ઘરના ગરબાને નવરાત્રિ પૂર્ણ થયા બાદ વાડીમાં પોતાના ઉભા પાક વચ્ચે મૂકે છે અને આખું વર્ષ આ ગરબો ખેતરમાં પાક વચ્ચે રહે છે. માન્યતા એવી છે કે માતાજીનો ગરબો ખેતરમાં રહે આશીર્વાદ સ્વરૂપ ખેતરમાં ધનધાન્યની ઉપજ સારી રહે પાકમાં જીવાત ન આવે ! તો વળી હાલમાં ગામડાઓમાં દરેક વાડી ઉપર પાણીના હોજની વ્યવસ્થા હોય છે. આવા પાણીના હોજમાં પણ માતાજીના ગરબાને પધરાવવાની પ્રથા હવે ગામડામાં આ વર્ષે અપનાવવી પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer