ભુજમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવા મામલે ફોજદારી

ભુજ, તા. 17 : શહેરમાં વીશ વર્ષની વયની એક યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવા સહિતનું કૃત્ય આચરવા બદલ અગાઉ શહેરની એક જાણીતી હોટલમાં વેઇટર તરીકે ફરજ બજાવતા મૂળ પરપ્રાંતીય એવા યુવાન સામે ફોજદારી ગુનો દાખલ કરાયો હતો. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાતેક મહિના પહેલાં અલગ-અલગ સમયે અને જુદી-જુદી જગ્યાએ દુષ્કર્મની આ ઘટનાને અંજામ અપાયો હતો. આ કૃત્યના કારણે ગર્ભવતી બની ગયેલી અને હાલે જેને સાતેક મહિનાનો ગર્ભ છે તેવી ભુજની યુવતીએ કરણ નામના શખ્સ સામે ગતરાત્રે બળાત્કાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં લખાવાયા મુજબ, ત્રણેક મહિના પહેલાં ભુજમાં એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલી હોટલ હિલ વ્યૂમાં વેઇટર તરીકે કામ કરતા આરોપી કરણે ભોગ બનનારી યુવતીને ફરવાના બહાને લઇ જઇને પહેલા ભુજમાં સરપટ નાકા બહાર રેલવે ફાટક નજીક ડોલર હોટલની પાછળ આવેલી ઓરડીમાં તથા બાદમાં ભુજમાં ઇજનેરી કોલેજ પાછળ આવેલી બાવળોની ઝાડીઓમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે યુવતી ગર્ભવતી બની છે અને હાલે તેના પેટમાં સાતેક મહિનાનો ગર્ભ છે. ભોગ બનનાર પાસે પણ આરોપી વિશે તેના નામ કરણ સિવાય કોઇ અન્ય વિગતો ન હોવાથી પોલીસે ઉપલબ્ધ વિગતો અને હોટલ સહિતના સ્થાને છાનબીન આરંભીને આરોપીનું પગેરું દબાવ્યું છે. આ કેસની તપાસ મહિલાઓ સામેની ગુનાખોરીના વિભાગના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer