ચેક પરત થવાના કેસમાં કેદ અને દંડની સજા ફટકારાઇ

ભુજ, તા. 17 : સવા લાખ રૂપિયાના મૂલ્યનો ચેક અપૂરતા ભંડોળના હિસાબે બેંકમાંથી પરત ફરતાં સર્જાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં અદાલતે ભુજના રહેવાસી દીપક જે. શેઠિયાને એક વર્ષની કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા કરતો ચુકાદો આપ્યો હતો. ભુજના પ્રવીણ કે. ભાનુશાલીએ સંબંધના નાતે ઉછીના આપેલા રૂપિયાના બદલામાં અપાયેલો ચેક પરત ફરતાં આ પ્રકરણની ફરિયાદ થઇ હતી. અહીંના ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે બંને પક્ષને સાંભળી આરોપી દીપક શેઠિયાને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા કરી હતી. આ ચુકાદા બાદ આરોપી દ્વારા મનાઇહુકમ માટેની માગણી કરાતાં અદાલતે એક મહિનાનો સમય આપ્યો હતો. આ કેસમાં ફરિયાદી શ્રી ભાનુશાલીના વકીલ તરીકે અવનીશ જે. ઠક્કર અને સલીમ એસ. ચાકી રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer