તુણાથી બકરાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવા અહેવાલ રજૂ

ગાંધીધામ, તા. 17 : એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તુણાથી થતી જીવંત પશુ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવા પ્રાણી કલ્યાણ બોર્ડની ત્રણ સભ્યોની સમિતિએ પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. રાજકોટ આવૃત્તિમાં અંગ્રેજી અખબારે અહેવાલમાં જણાવ્યું છે કે પ્રાણી કલ્યાણ બોર્ડના સદસ્ય એવા મુંબઇના કમલેશ શાહ, રાજકોટના રાજેન્દ્ર શાહ તથા મિત્તલ ખેતાણીની આ સમિતિએ તુણાથી બકરાં (લાઇવ સ્ટોક)ની કરાતી નિકાસમાં અનેક નિયમોનો ભંગ થઇ રહ્યો છે. જેના આધારે તેમણે પોતાના અહેવાલમાં પ્રતિબંધ મૂકવાનો અભિપ્રાય આપ્યો છે. અત્રે નોંધવું જરૂરી છે કે છેલ્લા નવ દાયકાથી તુણા બંદરેથી લાઇવ સ્ટોકની નિકાસ થતી આવી છે. થોડા સમય પહેલાં આવી નિકાસના પ્રથમ જથ્થાને પ્રશાસને અટકાવ્યો હતો. જેને નિકાસકારોના સંગઠને અદાલતમાં પડકારતાં તેમની તરફેણમાં વચગાળાનો હુકમ થયો હતો. હવે આ ત્રણ સભ્યોની સમિતિએ ફરી પ્રતિબંધની ભલામણ કરતાં આ નિકાસ પુન: અટકી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer