280 કિ.મી.ના માર્ગ પર `નવધા ભક્તિ''એ ઇતિહાસ રચ્યો

280 કિ.મી.ના માર્ગ પર `નવધા ભક્તિ''એ ઇતિહાસ રચ્યો
વિથોણ (તા. નખત્રાણા), તા. 14 : ભચાઉથી માતાના મઢ સુધી પદયાત્રીઓ તથા કેમ્પો દ્વારા કરાયેલો કચરો એક કલાકના શ્રમદાન સાથે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કચ્છ રિજિયન પાટીદાર યુવા સંઘની ટીમોએ ઉઠાવી `નવધા ભક્તિ'નો ઇતિહાસ રચ્યો હતો. 10 રૂટ સાથે 280 કિ.મી. માર્ગ પર મહા સફાઇના આ આયોજનમાં વિવિધ સરકારી તંત્રો અને સમાજો તથા સેવાભાવી પણ સહયોગી બન્યા હતા. ભચાઉથી ચાંદ્રાણી, ભુજ, ગાંધીધામ, રતનાલ, ભુજથી દેશલપર નખત્રાણા, માંડવી-ગઢશીશા, ગઢશીશાથી યક્ષ, નખત્રાણાથી રતડિયા ફાટકથી માતાના મઢ સુધીના રસ્તાની સફાઇ માટે કચ્છના ગામેગામથી ભાઇ-બહેનો જોડાયા હતા. તેમને પોરસ ચઢાવવા જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ સફાઇકાર્યમાં જોડાયાં હતાં. અભિયાનમાં જિલ્લા પોલીસ ખાતું, તાલુકા પંચાયત વિવિધ કચેરીઓના કર્મચારીઓ, કચ્છ રિજિયોનલ પાટીદાર યુવા સંઘની 170 ટીમોએ અ.ભા.ક.ક. પાટીદાર યુવા સંઘ કચ્છ રિજિયનના માર્ગદર્શન હેઠળ તેમજ આર્થિક સહયોગ આપનાર સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ, ક.ક. પાટીદાર સમાજના ઉપપ્રમુખ ડો. શાંતિભાઇ સેંઘાણી, તાલુકા માજી પ્રમુખ ભરતભાઇ, દિલીપભાઇ નરસિંગાણી, નખત્રાણાના પી.એસ.આઇ. શ્રી બોડાણા, વિવિધ મંડળો, સંસ્થાઓના કાર્યકરોએ હાથમાં ઝાડુ ઉપાડીને નવધા ભક્તિનાં દર્શન કરાવ્યા હતા. પાટીદાર યુવાનો હંમેશાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બાબત જાગૃત છે. તેઓ હંમેશાં રાષ્ટ્રહિતના કાર્યોમાં તૈયાર રહે છે. પર્યાવરણ અને પશુઓને મોટું નુકસાન કરે છે તેવી વસ્તુને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા યુવા સંઘે પાછલા વર્ષથી કમર કસી છે. સર્વ જ્ઞાતિના પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા. જેમાં ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, સોની સમાજ, અનુસૂચિત જાતિ સમાજ સહિત અનેક નાના-મોટા સંગઠનો જોડાયા હતા. સ્વચ્છ ભારતનાં સૂત્ર હેઠળ નવધા ભક્તિ અને એક કદમ સ્વચ્છતા કી ઓરના આ યજ્ઞમાં પાટીદાર યુવા સંઘે 15 દિવસથી તૈયારી કરી 100થી વધુ ગામોની સંપર્ક યાત્રા કરીને યુવા મંડળોને તૈયાર કર્યા હતા અને સ્થળ ઉપર માસ્ક, હાથમાં સાવરણી દંતાળી, કચરો ઉપાડવાની થેલીઓનું વિતરણ કરાયું હતું. યુવા સંઘ કચ્છ રિજિયનના ચેરમેન છગનભાઇ ધનાણીના નેતૃત્વ હેઠળ ઉપપ્રમુખ શાંતિલાલ નાકરાણી, દામજીભાઇ વાસાણી, ખજાનચી છગનભાઇ રૈયાણી, ટ્રસ્ટી મણિભાઇ ભગત, પ્રવીણભાઇ ધોળુ, કાન્તિભાઇ અમૃતિયા, ભુજ ઝોનના મંત્રી શાંતિલાલ ભગત, મહિલા સંઘના ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, મંત્રી અનુરાધાબેન સેંઘાણી વિગેરે આગેવાનો જોડાયા હતા. 10 રૂટના પ્રોજેકટ કન્વીનરોમાં જયસુખભાઇ પટેલ, બાબુભાઇ ચોપડા, અશોક પટેલ, દિલીપ નરસિંગાણી, ભાઇલાલભાઇ, ગોવિંદ દિવાણી, ધીરજ રૂડાણી, અશોક પટેલ, ભરતભાઇ સોમજિયાણી, બ્રિજેશ સાંખલા, વસંત મેયાત, મહેશ વાસાણી, નરશીં પોકાર, શૈલેશ પોકાર, શાંતિલાલ ભગત, હિતેશ પાંચાણી, સુરેશ ભગત, નવીન પોકાર, કિશોર માવાણી, નિયતિબેન પોકાર વિગેરે યુવા બટાલિયને ઇતિહાસ રચ્યો છે. આ સફાઇ અભિયાનમાં જોઇતી સામગ્રી માટે દિલેર દાતાઓનું મોટું યોગદાન છે. આવતા વર્ષે સફાઇ માટે યંત્રો ઉપલબ્ધ કરાશે તેવું માહિતગારો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ અખિલ કચ્છ કડવા પાટીદાર યુવા સંઘે ભુજથી માતાના મઢ, ગઢશીશાથી મોટા યક્ષ સુધી એક કલાકમાં 125 કિ.મી. માર્ગ સફાઇનો ઇતિહાસ સર્જ્યો હતો. આ સ્વચ્છતા મહા અભિયાનમાં કચ્છમિત્રે મીડિયા પાર્ટનર તરીકે સહયોગ આપ્યો હતો. માર્ગ પર જતા કેટલાક લોકોએ આ સફાઇ અભિયાનને બિરદાવ્યો હતો અને જાતે પણ જોડાયા હતા, તો અમુક જણે નારાજગી સાથે જણાવ્યું હતું કે, અમુક તો માત્ર ફોટા પડાવવા રાજકારણીઓની જેમ સફાઇ કરતા ન હતા. નાળિયેરના કચરાને ધ્યાને લેવાયો નહોતો, તો સફાઇ પૂરી થઇ નથી, આમ છતાં કામ સારું હતું. ઉલ્લેખનીય છે કે ભુજ તા.નાં સુખપરથી નખત્રાણા સુધીના માર્ગમાં સફેદ મોટા પ્લાસ્ટિકનાં કોથડાઓ ભરી ભરીને કચરો એકત્ર કરીને રખાયો હતો જે ખાસ ધ્યાન ખેંચતો હતો તો સળગાવાયેલા કચરાના ધુમાડા પણ માર્ગ પર સફાઇ કામની ચાડી ખાતા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer