ભુજના દબાણકારોમાં તંત્રની કાયમી ધાક ક્યારે ?

ભુજના દબાણકારોમાં તંત્રની કાયમી ધાક ક્યારે ?
ભુજ, તા. 14 : શહેરમાં ટ્રાફિક નિયમનના ધજાગરા ઊડી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આમ, નાગરિકો માટે કોઇ સાર્વજનિક માર્ગ બચ્યો નથી અને લારીઓ, રિક્ષા-છકડા ઉપરાંત આડેધડ પાર્ક વાહનોને કારણે ટ્રાફિકમાં ફસાતા લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ પર દરરોજ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. ઇન્દ્રાબાઇ પાર્ક પાસે દબાણ હટાવાયા પણ ત્યારબાદ થોડા સમય પૂરતી જ ટ્રાફિક પોલીસની ધાક રહી અને ફરી એ જ છકડા-રિક્ષા લારીઓ સહિતનાનો ઘેરાવ થતાં સુંદર સ્થળની હાલત દયનીય બની ગઇ છે. નવરાત્રિ શરૂ થઇ ગઇ છે અને ધીરે-ધીરે દિવાળી પર્વનો ધમધમાટ જામશે ત્યારે કમસેકમ તહેવારોમાં ટ્રાફિક પોલીસ સુદૃઢ આયોજન કરે અને માર્ગને અવરોધનારાઓને કાયદો હોવાનો અહેસાસ કરાવે તેવી લોકમાંગ ઊઠી છે. ભુજમાં મુખ્ય માર્ગો, શેરીઓ તથા ખુલ્લા પ્લોટોને દબાણકારોનો ઘેરો છે અને લોકોને હાલવા ચાલવાની જગ્યા રહેતી નથી. વાહનો વધી જતાં પરેશાનીમાં વધારો થયો છે અને ઠેકઠેકાણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. જોકે, આ બાબતથી જવાબદાર તંત્ર સુપેરે વાકેફ હોવા છતાં કયાં કારણોસર આંખ આડા કાન કરાય છે તેવો સવાલ લોકોને અકળાવી રહ્યો છે. ભુજના છઠ્ઠીબારી રિંગ રોડની વાત કરીએ તો ટ્રાફિકની ટીમ એકવાર આ માર્ગે પસાર થાય તો લોકોની હાલાકી જાણી શકે. માર્ગની બંને તરફ નાસ્તાની લારીઓ ગોઠવાતી જાય છે અને તેની આગળ ગ્રાહકો વાહનો બિનધાસ્ત ઊભાં રાખે છે. વળી, તળાવશેરી ચાર રસ્તે તો રિક્ષા-છકડા સ્ટેન્ડને પગલે વારંવાર ટ્રાફિક જામ થાય છે અને ખાસ કરીને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. તંત્ર જેવી દબાણ હટાવની કામગીરી કરે એટલે તરત ખાણીપીણીના ધંધાર્થી, રિક્ષા- ચાલકો રોજીરોટી છીનવાઇ જવાની વાત કરે છે અને તેમની વહારે રાજકારણીઓ ઊતરી આવે છે. માર્ગ પર આડેધડ ઊભી રોજીરોટી કમાનારા લેખેલા ધંધાર્થીઓ-રિક્ષાચાલકોને કારણે શહેરના હજારો લોકો દરરોજ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પણ તેની પરેશાનીની કોઇ નોંધ નથી લેતું. વળી, આ માર્ગે દુકાનોની બહારે તથા ખાલી જગ્યાએ દ્વિચક્રીઓ-ઓટલા પર અનેક યુવાનો ટોળે વળી બેઠેલા નજરે પડે છે. ખરેખર આવા ગ્રુપ જો બગીચે જઇને બેસે તો માર્ગે પસાર થનારાઓને અડધી રાહત થઇ જાય તેમ છે. રાત્રે બાઇક લઇને શેરી-ચોક કે વસ્તી વાળી જગ્યાએ ટોળા જમાવી ઉભવાની વૃત્તિ પણ વધતી જાય છે. ખાસ તો આવા માર્ગે મોટાં વાહનોનો પ્રવેશ જ બંધ કરવો જોઇએ, જેથી ટ્રાફિક ન અવરોધાય. થોડા સમય પહેલાં પોલીસ અધિકારીઓ, ટ્રાફિક શાખા, નગરપાલિકા, સિટી સર્વેની ટીમે છઠ્ઠીબારી રિંગ રોડ પર માર્ચપાસ્ટ કરી હતી. તે સમયે લારી-ગલ્લા, રિક્ષા-છકડાવાળાઓ ગુમ થઇ ગયા હતા અને માર્ગ મોકળો લાગતો હતો. આવી જ ઝુંબેશ ઇન્દ્રાબાઇ પાર્ક પાસે પણ હાથ ધરાઇ હતી અને આ વિસ્તારમાં પડયાપાથર્યા રહેતા છકડા-રિક્ષાવાળા તથા માર્ગને અવરોધતા ધંધાર્થીઓને દૂર કરાયા હતા, પરંતુ થોડા સમયમાં જ તંત્રની ધાક ઓસરી ગઇ અને જૈસે થેની સ્થિતિ નિર્માણ પામી છે. જો કાયદો પરચો દેખાડે અને કમસેકમ શિસ્ત જાળવી, લોકોને અડચણ ન થાય તેમ ધંધો કરે તો શહેરીજનોને રાહત થાય તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer