સેલારીમાંથી બિનહિસાબી ડીઝલ જેવું રસાયણ પકડાયું

સેલારીમાંથી બિનહિસાબી ડીઝલ જેવું રસાયણ પકડાયું
ભુજ, તા. 14 : રાપર તાલુકાનાં સેલારીના વાડામાંથી ડીઝલ જેવા ભાસતા બેનંબરી રસાયણના 44 બેરલો કબ્જે કરાયા છે, તો ફતેહગઢ ગામેથી આવા જ શંકાસ્પદ રસાયણનું વેચાણ થતું હોય તેવો એક આખો ખાનગી પેટ્રોલપંપ પણ પોલીસે પકડી પાડયો છે જે વાગડમાં ગુનેગારોની હિમત કેટલી વધી ચૂકી છે તેનું એક આછું પ્રમાણ ગણી શકાય. હાલ વાગડ વિસ્તારમાં નર્મદા નહેરમાં પાણીની આવક શરૂ થતાં ખેડૂતો એન્જિન દ્વારા દૂર સુધી પાણી પીવડાવવા દિવસ-રાત ડીઝલ એન્જિનોનો ઉપયોગ કરે છે અને હાલે ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે ત્યારે બે નંબરના ડીઝલ જેવા જ રસાયણનો વપરાશ છેલ્લા વર્ષ દરમ્યાન વધ્યો હોવાની સંભાવના છે. આ કેમિકલ ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ઠલવાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે સેલારી ગામે દેવજી મનજી બારવાડિયા પટેલના વાડામાંથી કુવૈતના માર્કવાળા કેમિકલના 44 ભરેલા અને 17 ખાલી બેરલ કબ્જે કર્યા છે. આ કેમિકલનું 60 રૂપિયા લિટરના ભાવે વેચાણ થતું હતું. આરોપીએ અગાઉ ત્રણ વખત 40 બેરલના વેચાણ કર્યાનું પણ કબૂલ્યું હતું. એક બેરલમાં 290 લિટરના હિસાબે જરા ગણિત માંડજો, બિનહિસાબી કેટલું રસાયણ વેચાયું હશે. બીજી તરફ આવો જ રસાયણનું વેચાણ કરતો એક પેટ્રોલપંપ પણ ફતેહગઢમાંથી પોલીસે પકડી પાડયો હતો અને પોલીસની હાજરીમાં મામલતદારને બોલાવી પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો હતો. રાપર તાલુકામાં આ રસાયણ ક્યાંથી આવ્યું અને કેટલા સમયથી ખાનગી પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુનાખોરી માટે કુખ્યાત એવું રાપર બે નંબરી પંપ સુદ્ધાં ચલાવતું હશે તેવી કલ્પના કદી પોલીસે પણ કરી નહીં હોય. પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર. એલ. રાઠોડને મળેલી બાતમીના આધારે સામત બરાડિયા, ખીમજી આહીર, સરથાણ પટેલ, રાજેશસિંઘ, નિકુલ, લવજી પટેલ વિગેરે જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મામલતદાર કચેરી કે પુરવઠા તંત્ર આ સમગ્ર કૌભાંડ અંગે અજાણ છે કે આંખ આડા કાન કરી રહ્યા છે તે સંબંધિત સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. તંત્ર ગંભીર બની તપાસ કરે તો હજુ પણ આવા ગોરખધંધા સામે આવે તેવી શકયતાઓ પણ જણાઇ રહી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer