ભાનુશાળી વસતીવાળાં બંધ ઘરો નવરાત્રિમાં ખુલ્યાં...

ભાનુશાળી વસતીવાળાં બંધ ઘરો નવરાત્રિમાં ખુલ્યાં...
નલિયા, તા. 14 : દુષ્કાળ અને મોંઘવારીની માર ઝીલી રહેલા અબડાસા તાલુકામાં નવરાત્રિ પર્વમાં ખાસ કરીને ભાનુશાળી વસતીવાળા ગામોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. 20થી 22 ગામોમાં દેશાવર વસતા 10થી 12 હજાર ભાનુશાળી ભાઇ-બહેનો નવરાત્રિ પર્વ મનાવવા માદરે વતન પહોંચી આવતાં આવા ગામોમાં નવરાત્રિની રંગત જામી છે. છેલ્લા અઢીથી ત્રણ દાયકાથી દર વર્ષે ભાનુશાળીઓ પોતાના માદરે વતન અબડાસાના ગામોમાં પહોંચી આવે છે. તાલુકાનાં નલિયા, નુંધાતડ, હાજાપર, રાતાતળાવ, નરેડી, ઉસ્તિયા, આશાપર, જખૌ, દદામાપર, રવા, ભાચુંડા, ધનાવાડા, તેરા, બિટ્ટા, હમીરપર, મોથાળા, બારા, સુડધ્રો, પ્રજાઉ, છાડુરા, રામપર (અ), જંગડિયા, બુટ્ટા વગેરે ગામોમાં ભાનુશાળી જ્ઞાતિજનોને ઘરે જમવાને બદલે સાથે ભોજન લેવાનું હોય છે. મુંબઇ, વાપી, વલસાડ રહેતા જ્ઞાતિજનોની ઘરદીઠ 2થી 3 જણની હાજરી નવરાત્રિ દરમ્યાન માદરે વતન અચૂક હોય છે. જે કોઇ નવરાત્રિ દરમ્યાન પોતાના ગામ પહોંચી ન શકે તો ફાળાના રૂપિયા સ્વેચ્છાએ રોકડ?નોંધાવે છે. ભાનુશાળી વસતીવાળા આ ગામોમાં ભાનુશાળી જ્ઞાતિની ગરબી પોતાની આગવી ભાત પાડે છે. દરેક ગામમાં પરોઢ કે વહેલી સવાર સુધી ગરબી ચાલુ હોય છે. માતાજીના ગરબા, છંદ સાથે આદ્યશક્તિની ઉપાસના થઇ રહી છે, તો ઘણા ગામોની ગરબીમાં વેશભૂષાની પરંપરા પણ હજી જળવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer