વિન્ડિઝનો 2-0થી સફાયો કરતી ટીમ ઇન્ડિયા

વિન્ડિઝનો 2-0થી સફાયો કરતી ટીમ ઇન્ડિયા
હૈદરાબાદ, તા. 14 : ટીમ ઇન્ડિયાએ સરજમીં પર સતત 10મી ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવીને બીજી ટેસ્ટમાં પણ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ત્રણ દિવસની અંદર 10 વિકેટે કારમો પરાજય આપ્યો છે. રાજકોટ પછી હૈદરાબાદમાં પણ કોહલીસેનાએ વિજય ડંકો વગાડીને 2-0થી શ્રેણી કબજે કરીને કેરેબિયન ટીમનો સફાયો કર્યો છે. ભારતને બીજા દાવમાં 72 રનનું મામૂલી વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જે ભારતે 16.1 ઓવરમાં વિના વિકેટે સર કરી લીધું હતું. પહેલા દાવમાં 6 અને બીજા દાવમાં 4 સહિત કુલ 10 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. જ્યારે યુવા બેટધર પૃથ્વી શો મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેણે પોતાની પહેલી શ્રેણીમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે. આજે મેચના ત્રીજા દિવસે બોલરોના વર્ચસ્વ વચ્ચે બંને ટીમની કુલ 16 વિકેટ પડી હતી. ભારતીય ટીમ તેના પહેલા દાવમાં 367 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી તેને ધારણાથી ઓછી પ6 રનની સરાસાઇ મળી હતી. આ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજા દાવમાં ભારતના પેસ એન્ડ સ્પિન એટેક સામે નતમસ્તક થઇને 46.1 ઓવરમાં 127 રનમાં ઢેર થઇ ગઇ હતી. આથી ભારતને જીત માટે 72 રનનું સામાન્ય વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જે ભારતે વિના વિકેટે કરી લીધું હતું. રાહુલ અને પૃથ્વી 33-33 રને અણનમ રહ્યા હતા. આ પહેલાં આજે ભારતે આજે તેનો પહેલો દાવ 4 વિકેટે 308 રનથી આગળ વધાર્યો હતો અને વધુ પ9 રનનો ઉમેરો કરીને ઓલઆઉટ થઇ હતી. રીષભ પંત સતત બીજી ઇનિંગમાં સદી ચૂકીને 92 રને આઉટ થયો હતો. રહાણેએ 80 અને અશ્વિને 3પ રન કર્યા હતા. વિન્ડિઝ તરફથી સુકાની હોલ્ડરે પ અને ગ્રેબિયલે 3 વિકેટ લીધી હતી. પ6 રનની ખાધ સાથે બીજો દાવ લેવા મેદાને પડેલી કેરેબિયન ટીમનો શરૂઆતથી જ ધબડકો થયો હતો. બંને ઓપનર બ્રેથવેટ અને પોવેલ મીંડા મુકાવીને પેવેલિયનમાં પાછા ફર્યા હતા. સૌથી વધુ 38 રન સુનિલ એમ્બ્રિસે કર્યા હતા. પહેલા દાવના સદીવીર ચેઝ માત્ર 6 રને ઉમેશના દડામાં બોલ્ડ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ચાના સમય બાદ 127 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઉમેશે 4, રવીન્દ્રે 3 અને અશ્વિને 2 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer