રણકાંધીએ ગરબો ઘૂમતો થયો...

રણકાંધીએ ગરબો ઘૂમતો થયો...
ભુજ, તા. 14 : કચ્છની રણકાંધી પર પણ આદ્યશક્તિની આરાધનાએ પરાકાષ્ઠા પકડી છે. બન્ની-પચ્છમમાં મારવાડા-વાઘા અને કોળી સમાજની વસ્તીવાળા ગામોમાં સદીઓથી હિન્દુ પરંપરાનુસાર તહેવારો ઊજવાય છે પણ એ સાદગીથી. જ્યારે હવે ધીમે ધીમે આ ઉજવણીઓ વિસ્તરવા માંડી છે અને રણકાંધી પર પણ આદ્યશક્તિની આરતી-સ્તુતિઓ ગુંજવા મંડી છે પણ એક ચિંતાની અને મહત્ત્વની વાત એ પણ બહાર આવી છે કે શિક્ષકોને નવરાત્રિ વેકેશન મળી જતાં આ વખતે ખાવડા પોલીસ લાઇન પાસે અને તુગા ગામે માત્ર સ્થાપના જ થઇ છે. કારણ કે અહીં રમનાર કોઇ નથી. કચ્છના ખૂણે ખૂણે આમ તો માતાજીની આરાધના થાય છે, પણ બન્ની-પચ્છમમાં ભૂકંપ બાદ અને રણોત્સવના પ્રભાવ તળે ઉજવણીમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. બન્નીના મુખ્ય મથક ભિરંડિયારામાં તો આ વખતે ગરબા-આરતી, છંદ-ગીતો માટે ખાસ ગાયકો-સાજિંદાઓને બોલાવાયા છે અને રાત્રે મોડે સુધી ગરબીની નોબત ગુંજતી રહે છે. હાથતાળી અને દાંડિયાની પરંપરાગત રમત આ વિસ્તારના આકર્ષણનું કેન્દ્ર બની છે. બન્નીમાં ભિરંડિયારા ઉપરાંત ગોરેવાલી, ડુમાડા-માધવનગર અને ભિટારામાં જય આદ્યાશક્તિ ગાજે છે. તો પચ્છમમાં કુરન, જામકુનરિયા, ધ્રોબાણા, મેઘપર, આશાસ્પર, ખારી અને ગોડપરમાં પણ નોબત-ઢોલ ગાજે છે. તુગામાં શિક્ષકો દ્વારા દર વર્ષે ગરબી થતી પણ આ વખતે વેકેશન આવી જતાં માત્ર સ્થાપના થઇ છે. અહીં અન્ય કોઇ શક્તિ ઉપાસક ન હોવાથી ગરબી થતી નથી. આવું જ ખાવડા પોલીસ લાઇન પાસેની ગરબીમાં પણ થયું છે. ઉલ્લેખનીય છે કે બન્ની-પચ્છમની આ ગરબીઓ સોઢા, કોળી, મારવાડા સમાજ દ્વારા થાય છે. કુરનમાં તો સોઢા અને મારવાડા એમ બંને સમાજની અલાયદી ગરબી થાય છે. તો ભિરંડિયારામાં જશા મુરા મારવાડા, ભોજા ફોટા મારવાડા, મંગલ શંકર મારવાડા વ્યવસ્થા સંભાળે?છે. સ્થાનિક માલધારી પરિવારો પણ ગરબીઓ જોવા આવીને કચ્છની કોમી એકતા દર્શાવે છે. આ ગરબીઓ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ઉત્સાહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો ખાસ બન્ની-પચ્છમની ગરબીઓમાં ભાગ લેવા દર વર્ષે અચૂકથી આવે છે. શનિવારે સત્યમભાઇ રાવ, પ્રાંત સેવા પ્રમુખ નારાણભાઇ વેલાણી, અન્ય કાર્યકર ભાઇ-બહેનો સાથે ભિરંડિયારા ગરબીમાં પહોંચ્યા હતા અને રાસ પણ રમ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer