નેત્રામાં દેવી-દેવતાઓ વિશેની ટિપ્પણી હિંસક બની : હુમલામાં છ જણ ઘવાયા

નેત્રામાં દેવી-દેવતાઓ વિશેની ટિપ્પણી   હિંસક બની : હુમલામાં છ જણ ઘવાયા
નખત્રાણા, તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના નેત્રા ગામે દેવી-દેવતાઓ વિશેની ટિપ્પણીના મુદ્દે સર્જાયેલી માથાકૂટ વધી પડતાં બનેલી હુમલા સહિતની ઘટનાઓમાં છ વ્યક્તિ ઘાયલ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાઈ છે.  સોશિયલ મીડિયા પર ફેસબુક અને વ્હોટ્સએપના માધ્યમથી વહેતી કરાયેલી ટિપ્પણીઓના મામલે સમજાવટ દરમ્યાન મામલો બગડતાં આ સમગ્ર ઘટનાઓ ઘટી હતી. બનાવની જાણ થતાં પોલીસ દળ સ્થાનિકે દોડી ગયું છે અને વધુ કોઇ અનિચ્છનીય કે પ્રત્યાઘાતી બનાવ ન બને તે માટે સલામતીની વ્યવસ્થા પણ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ, આ કિસ્સામાં રસલિયાના રાજેશ અંબાલાલ જોશી (ઉ.વ. 27), નેત્રાના રાહુલાસિંહ નરેન્દ્રભાઇ રાજપૂત (ઉ.વ. 17), મયૂર કાંતિલાલ ચૌહાણ (ઉ.વ. 17), સંજય કાંતિલાલ ચૌહાણ (ઉ.વ. 19), વેડહારના સ્વરૂપાસિંહ સોઢા (ઉ.વ. 29) અને રસલિયાના લખન હિતેશ ઠક્કર (ઉ.વ. 18) જખમી થયા છે. તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. સ્વરૂપાસિંહ અને લખનને માથામાં ઇજાઓ થયેલી છે. બનાવ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. આજે રાત્રિના નવ વાગ્યા સુધીમાં ફરિયાદ નોંધાઇ ન હોવાથી વધુ વિગતો બહાર આવી શકી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer