ભુજની બિનલ કેબીસીમાં છ લાખથી વધુ જીતી

ભુજ, તા. 14 : મહાનાયક અમિતાભ બચ્ચનના લોકપ્રિય ટી.વી. ગેમ શો કોન બનેગા કરોડપતિમાં ભુજની 27 વર્ષીય યુવતી બિનલ સુથાર છ લાખ રૂપિયાથી વધુ રકમ જીતી ગઈ છે. બિનલનો આ એપિસોડ 22મી ઓક્ટોબરના પ્રસારિત થશે. કચ્છમિત્ર સાથે વાત કરતાં બિનલ કહે છે કે, ભુજ શહેરમાં રાહગિરિ દ્વારા દોઢ વર્ષ પૂર્વે યુવાનોને કેબીસી જેવા ગેમ શોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે એક ક્વિઝ શો યોજાયો હતો. જેમાં અંતિમ દશ-બાર માટે ચિઠ્ઠી નીકળી હતી. જો કે તે વખતે ભાગ્યએ સાથ ન આપતાં સફળતા મળી નહોતી, પરંતુ આજે કેબીસીની હોટ સીટ સુધી પહોંચવામાં સફળતા મળી ગઈ તેનો અપાર આનંદ છે. ભુજમાં રાહગિરિની નવતર પહેલ વિશે મેં વિગતવાર માહિતી આપી ત્યારે મહાનાયક અમિતાભ બચ્ચને આ પહેલને બિરદાવી હતી અને મને અભિનંદન આપ્યા હતા તેવું બિનલ કહે છે. કાર્યક્રમ બાદ `િબગ-બી' અમિતાભજીને જન્મદિવસ નિમિત્તે કચ્છનું પ્રખ્યાત મેસુક આપ્યું હતું કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'ની યાદ અપાવતાં તેમણે કચ્છના સૌંદર્ય અને લોકોના વખાણ કર્યા હતા. ક્લાસ વન ઓફિસર બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતી બિનલ સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે અને અન્યોને પણ આ પરીક્ષા અંગે માર્ગદર્શિત કરતી રહે છે. બિનલની મહત્ત્વાકાંક્ષાઓ સતત બદલતી રહેતી હોવાથી હોટ સીટ પરથી તેમણે અમિતાભ બચ્ચનને આ કાર્યક્રમને હોસ્ટ કરતા જોઈને તેનું મન પણ કેબીસી. હોસ્ટ કરવાનું થાય છે તેવું જણાવતાં બચ્ચનજી બોલી ઊઠયા હતા કે, આપને તો મેરી સીટ ખતરે મેં ડાલ દી હૈ, સોની ટીવીવાલે કૃપ્યા ઈન કી બાત અભી મત સુનના. આથી ત્યાં હાસ્ય ફરી વળ્યું હતું. આ ગેમ શોમાં અંતિમ દશ સ્પર્ધકો માટે બિનલ ક્વોલિફાય થઈ ગયા બાદ કેબીસીની ટીમ ચોથી ઓક્ટો.ના ભુજ આવી હતી અને તેનો પરિચય આપતી રોજિંદી પ્રવૃત્તિ, શોખ અંગેની નાની ડોક્યુમેન્ટરી પણ રહેઠાણ, કચેરી તથા વર્ગના ક્લાસ શૂટ કર્યા હતા જે પણ પ્રસારિત થશે. બિનલે ગણિત સાથે વડોદરાની એમ.એસ. યુનિ.માંથી એમએસ.સી. કર્યું છે. તે સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ)માં મદદનીશ આંકડાશાત્રી તરીકે ભુજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. પિતા બાબુભાઈ નિવૃત્ત છે. માતા મધુબેન ભુજના ભારાસર ગામની કુમાર શાળામાં શિક્ષિકા છે. તેની બહેન મયૂરી તપન દાવડા પણ જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer