અછતની અસર : રોજ 35 લાખ વીજ યુનિટ વધ્યાં

ભુજ, તા. 14 : કચ્છમાં વરસાદ નહીં થતાં તેની ભયાનકતાની જાણે શરૂઆત થઈ ચૂકી હોય તેમ પોતાના પાકને બચાવવા મથતો જગતનો તાત પણ વ્યથિત છે. વરસાદ પડશે એ આશાએ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ મેઘકૃપા નહીં થતાં હવે ભૂગર્ભજળ એકમાત્ર ઉપાય હોવાથી બોરવેલમાંથી પાણી ખેંચવાનું પ્રમાણ વધી જતાં તેની અસર સીધી વીજ વપરાશ ઉપર પડી છે ને જિલ્લામાં એકમાત્ર ખેતીવાડીનાં વીજજોડાણોમાંથી રોજના 35 લાખ વીજ યુનિટ વપરાશનો ઉછાળો આવ્યો છે. કચ્છમાં ક્યાંય વરસાદ નહીં થતાં જ્યાં પાણી છે ત્યાંની ખેતી સંપૂર્ણ બોરવેલનાં પાણી આધારિત બની જતાં આખા વરસ દરમ્યાન ભૂતળમાંથી પાણી ખેંચવાની નોબત આવશે. આમ સામાન્ય સંજોગોમાં વરસાદ પડી ગયો હોય તો ઓગસ્ટ-સપ્ટેમ્બરના દિવસોમાં ખેતીવાડી માટે ભૂગર્ભનાં પાણીની ખપત ઘટી જતી હોય છે, એટલે ઈલેક્ટ્રીક મોટર વડે ખેંચવામાં આવતા પાણી ખેંચવાનું બંધ હોય છે. ઈલેક્ટ્રીક મોટરો બંધ રહેતાં વીજ વપરાશ ઘટી જતો હોય છે. તેના બદલે દોઢગણો વધારો થયો હોવાનું પશ્ચિમ ગુજરાત વીજતંત્ર પાસેથી જાણવા મળ્યું છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ ભુજ, અંજાર ખાતે પી.જી.વી.સી.એલ.ના સર્કલ અલગ-અલગ આવેલા હોવાથી ભુજ સર્કલ હેઠળ ખેતીવાડી વિસ્તાર વધુ આવતો હોવાથી યુનિટ વપરાશ વધુ જોવા મળે છે. ભુજ સર્કલના વડા બી.પી. જોષીનો સંપર્ક સાધતાં તેમણે આ બાબતને સમર્થન આપતાં કહ્યું કે આમ આવા સામાન્ય સંજોગોમાં ખેતીવાડી ક્ષેત્રમાં દરરોજ 40 લાખની આસપાસ યુનિટ વીજળી વપરાતી હોય છે, તેના બદલે 17થી 20 લાખ યુનિટનો વધારો થયો છે. એટલે કે અત્યારે દૈનિક 57થી 60 લાખ વીજ યુનિટની ખપત થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. રોજના 17થી 20 લાખ વીજ યુનિટનો વપરાશ વધી જવાથી આવક પણ વધી ગઈ હોવાનું પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે ખેતીવાડી ક્ષેત્રે વપરાતી વીજળીનો આવક સાથે કોઈ સંબંધ નથી, કારણ કે ફિક્સ યુનિટ વપરાશવાળા વીજજોડાણ લેવામાં આવ્યા હોવાથી આવકની વધઘટ થતી હોતી નથી. બીજી બાજુ પૂર્વ વિભાગના અંજાર સર્કલના અધીક્ષક આર.ડી. મેઘાણીને પૂછતાં તેમણે પણ જબરજસ્ત ઉછાળો આવ્યો હોવાનું કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે રોજના 25 લાખ યુનિટ વપરાતા હતા. તેના બદલે વધીને 40 લાખ વીજ યુનિટ પર આંકડો પહોંચી ગયો છે. સરેરાશ 15થી 20 લાખ યુનિટ રોજ વધતા હોવાના હેવાલ મળે છે. પૂર્વ વિભાગમાં પશ્ચિમ વિભાગ કરતાં ખેતીવાડીનાં જોડાણો ઓછા છે, તેમ છતાં ખેત વિષયક વીજપુરવઠો તો વપરાય છે અને તપાસ કરતાં પાકને બચાવવા પાણી ખેંચવા વીજળીની જરૂરિયાત વધી ગઈ છે. બંને સર્કલના વપરાશના રોજેરોજના આંકડા મળતા હોવાથી જે આમ સામાન્ય દિવસોમાં 65 લાખ યુનિટનો ઉપયોગ થતો હતો તે વધીને દૈનિક એક કરોડને પાર કરી ગયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer