ભુજ, માધાપર, નખત્રાણા અને અંજારમાં દારૂની બદી સામે પોલીસદળનો સપાટો

ભુજ, તા. 14 : જિલ્લામાં દારૂની બદી સામે કાર્યવાહી અવિરત રાખતાં પોલીસદળે ભુજ અને માધાપર ઉપરાંત અંજાર અને નખત્રાણા ખાતે દરોડા પાડીને રૂા. 42 હજારથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ અને બિયર પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં કુલ્લ પાંચ આરોપીની ધરપકડ કરાઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ સ્થિત એન્કરવાલા ચકરાવાથી આત્મારામ ચકરાવા તરફ જતા માર્ગ ઉપર ભુજિયાની તળેટીમાં દરોડો પાડીને મૂળ તાલુકાના ઝુરા ગામના અને હાલે માધાપર ભવાની હોટલ પછવાડે રહેતા કાસમ ઓસમાણ ભટ્ટી અને આ જ સ્થળે રહેતા મૂળ હરિયાણાના સુરેન્દ્રકુમાર જગબીરાસિંગ જાટને શરાબની બાર બાટલી સાથે પકડયા હતા. તેમની પૂછતાછમાં વધુ જથ્થો ભવાની હોટલ પછવાડે હોવાનું સપાટીએ આવતાં પોલીસે ત્યાં ધસી જઇને પતરાંની પેટીમાં રખાયેલી દારૂની વધુ 53 બાટલી કબજે કરી હતી. આ કામગીરીમાં કુલ્લ રૂા. 22750નો દારૂ તથા એક છકડો રિક્ષા મળી કુલ્લ રૂા. 72850નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બીજીબાજુ અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ અંજાર શહેરમાં યોગેશ્વર ચાર રસ્તા ખાતે ગતરાત્રે સ્થાનિક પોલીસે પાણીના પ્લાન્ટમાં છાપો મારી ચિત્રકુટ ખાતે રહેતા સુધીરદાન ગોપાલદાન ગઢવીને રૂા. 14350ની શરાબની 41 બાટલી સાથે પકડી પાડયો હતો. આ દરોડા સમયે સુગારિયા ગામનો હરપાલાસિંહ ગુમાનાસિંહ જાડેજા હાથમાં આવ્યો ન હતો. આ બન્ને સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. જ્યારે નખત્રાણા પોલીસે બાતમીના આધારે નખત્રાણામાં દરોડો પાડીને દેવકીનગરમાં રહેતા વિશાલ વલ્લભભાઇ સોની અને પ્રાચીનગરમાં રહેતા નિશાંત સુરેશભાઇ જોષીને શરાબની પાંચ બાટલી અને બિયરના 38 ટિન સાથે પકડી પાડયા હતા. આ બન્ને પાસેથી એક બાઇક પણ પોલીસે હસ્તગત કરી હતી તેમ પોલીસ સાધનોએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer