દીનદયાળ પોર્ટ ખાતે 24 કલાકમાં 58 હજાર મેટ્રિક ટન મીઠું લોડ કરાયું

ગાંધીધામ, તા. 14 : દેશના પ્રથમ હરોળના મહાબંદર દીનદયાળ પોર્ટ ખાતે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે આજે બે કીર્તિમાન સ્થાપિત થયા હતા. પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલમાં 12 કલાકના ગાળામાં કન્ટેનર હેન્ડલિંગ કરાયું હતું. તો 24 કલાકમાં મીઠાના લોડિંગનો વિક્રમ પણ સ્થપાયો હતો. દીનદયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે ગત તા. 12/10ના જહાજમાં કન્ટેનર લોડિંગની કામગીરી શરૂ કરાઇ હતી. 12 કલાકમાં 1587 ટીઇયુસી કન્ટેનર જહાજમાં લોડ કરી નવો રેકોર્ડ સ્થાપિત કરાયો હતો. જહાજ એમ.વી. એસ.સી.આઇ. મુંબઇ 414 વહેલી સવારે લાંગર્યું હતું અને બપોરે 3.40 વાગ્યે પરત ગયું હતું. કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે બીજો રેકોર્ડ મીઠાના લોડિંગ ક્ષેત્રે નોંધાયો હતો. એમ.વી. બીનસ જહાજમાં 24 કલાકમાં 58 હજાર મેટ્રિક ટન મીઠાનું લોડિંગ કરાયું હતું. ગત 11/10ના સવારે 7 વાગ્યે લોડિંગ શરૂ કરાયું હતું જે તા. 12ના સવારે 7 વાગ્યે પૂરું કરાયું હતું. અગાઉ વર્ષ 2008માં એમ.વી. સ્ટાર કેમેરા જહાજમાં 24 કલાકમાં 42,466 મેટ્રિક ટન મીઠું હેન્ડલ કરાયું હતું. આ જહાજના એજન્ટ શ્રી શિપિંગ સર્વિસ હતા. જ્યારે સ્ટીવડોર્સ ઇનાયત કાર્ગો કેરિયર અને બ્લૂ વ્હેલ શિપિંગ હતું. રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટએ પરિવહન પૂરું પાડયું હતું. સીએચએ ભવ્ય શિપિંગ હતું. જલારામ વૂડ પેટ્રો પ્રોડક્ટ નામની નિકાસકાર પેઢી દ્વારા ચાઇનાના કોફેડિયન પોર્ટ ખાતે આ કાર્ગો મોકલવામાં આવ્યો છે. આ નવા કીર્તિમાન બદલ પોર્ટ પ્રશાસને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer