આથમણી બન્નીના વિસ્તારો પાણી વિના ટળવળી રહ્યા છે

મોટી વિરાણી, તા. 14 : આથમણી બન્નીનાં લુણા, ભિટારા વિસ્તારના ગામોમાં તંત્ર દ્વારા પીવાનાં પાણીના ટેન્કર બંધ કરાતાં માલધારીઓ અને પશુઓની હાલત દયનીય બની છે. ભુજ તા.માં સમાવિષ્ટ હાજીપીરથી પૂર્વ દિશા તરફ આથમણી બન્નીનો માત્ર પશુપાલન ઉપર નિર્ભર લુણા, ભિટારા,  વાંઢ સહિતના ગામોમાં છેલ્લા ચારેક માસથી પાણી પુરવઠાની નિક્રિયતાને કારણે પાણીની તંગી સર્જાઇ છે. વર્તમાન દુષ્કાળની વિકટ પરિસ્થિતિ, ઘાસચારો અને પાણીની સમસ્યાએ હદ વટાવી છે તેવી વેદના ઠાલવતાં ભિટારાના જત મીરસન, જુશબ જત, અદ્રેમાન સહિતના માલધારીઓએ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભેંસ, ગાય ઘેટાં-બકરાં ધરાવતો પશુપાલન વિસ્તાર તેમજ માલધારી પરિવારોની નરા પાણી પુરવઠા યોજના દ્વારા અપાતું પાણી છેલ્લા છએક માસથી વારંવાર ઠપ થતાં નખત્રાણા પાણી પુરવઠા યોજના સંચાલિત નરા પા.પુ. તંત્રે એકાંતરે ટેન્કર દ્વારા પાણી અપાતું જે છેલ્લા એકાદ માસથી કાપ મૂકતાં અહીંના કૂવાનું ક્ષારજનક ખારું દૂષિત પાણી નાછૂટકે વપરાશ કરાય છે. પરિણામે લોકોમાં તાવ અને પેટના દર્દોનું પ્રમાણ તેમજ પશુઓનાં મરણનું પ્રમાણ વધ્યું છે. આ સમસ્યા સંદર્ભે નખત્રાણા પા. પુરવઠા તેમજ સંબંધિત તંત્રને લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં પાણીની મુશ્કેલી નિવારવા ધ્યાન અપાયું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer