કડોલના અભયારણ્યમાં નમક નહીં પકાવી શકાય

કડોલના અભયારણ્યમાં નમક નહીં પકાવી શકાય
ભુજ, તા. 11 : ભચાઉ તાલુકાના કડોલ આસપાસના અભયારણ્ય વિસ્તારમાં મીઠાના ઉદ્યોગ માટે અપાયેલી જમીન વન અભયારણ્ય કાયદા હેઠળ યોગ્ય નહીં હોવાથી લગભગ 38 પ્લોટધારકોની 790 એકર નમક પકવવાની જમીનની લીઝ કલેક્ટરે રદ કરી હતી. આ નિર્ણય સામે પ્લોટધારકોએ રાજ્યની વડી અદાલતમાં ધા નાખી હતી, જેને બે દિવસ પહેલાં હાઇકોર્ટે નકારી કાઢીને તમામ જમીનનો કબ્જો લઇ લેવાનો આદેશ કર્યો હતો. કચ્છના મહેસૂલી તંત્ર અને વનતંત્ર દ્વારા કડોલ-ભરૂડિયા વિસ્તારમાં મીઠું પકવવા ભાડા પટેથી મીઠાના પ્લોટ આપવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે પ્લોટ આપવામાં આવ્યા હતા તેની 10ગણી જમીનો પર ગેરકાયદે દબાણ કરી હજારો-લાખો ટન મીઠું પકવવામાં આવતું હતું. જેની સામે આસપાસના ગ્રામજનોએ વારંવાર ફરિયાદ કરી હતી કે, પીવાનું પાણી નથી મળતું, રોજગારી પણ આપવામાં આવતી નથી. વળી જે વિસ્તારમાં જમીનો કબ્જે કરવામાં આવી છે તે 1986માં અભયારણ્ય જાહેર થતાં અહીં કોઇપણ જાતની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આવા અનેક કારણોસર કચ્છના કલેક્ટર રેમ્યા મોહને 38 પ્લોટધારકોની લીઝ રદ કરી નાખતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. 1972ની પ્રાણી સંરક્ષણની વિવિધ કલમોને ટાંકીને કલેક્ટરે તાત્કાલિક અસરથી ભાડા પટે અપાયેલી જમીનોની ફાળવણી રદ કરી જમીનનો કબ્જો પૂર્વ વિભાગના વનતંત્રને સંભાળી લેવા હુકમ કર્યો હતો. કલેક્ટરના હુકમ સામે મીઠાના પ્લોટધારકોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કલેક્ટરના આદેશને પડકારતી અરજીને હાઇકોર્ટે રદ કરી અરજદારોને જમીનો ખાલી કરવા ત્રણ અઠવાડિયાની સમયમર્યાદા આપી હતી. વડી અદાલતે કલેક્ટર રેમ્યા મોહનના આદેશની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, નિર્ધારિત સમયમર્યાદામાં જમીનો ખાલી કરવામાં અરજદારો નિષ્ફળ?જશે તો કલેક્ટર તરફથી અધિકૃત અધિકારીઓ દ્વારા તુરંત કબ્જો લઇ લેવામાં આવશે. હાઇકોર્ટે ચુકાદામાં પ્રકાશ પાડયો હતો કે, કચ્છના રણવિસ્તારને 1986ના જાહેરનામાથી વન્ય જીવ અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યો છે. એટલે અહીં કોઇ પણ જાતની પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી. તેમ છતાં 1991થી 2011 સુધી નમકના ઉત્પાદન માટે નાયબ કલેક્ટર અંજાર દ્વારા લીઝ?મંજૂર કરવામાં આવી હતી, તે વન્ય જીવન સંરક્ષણ કાયદાથી વિપરીત હતી. નાયબ કલેક્ટર અંજાર અને નાયબ વનસંરક્ષકે લીઝ રિન્યૂ કરવાની ભલામણ કરી હતી. પરંતુ તે ભલામણ કાયદાની જોગવાઇને જોતાં મીઠા ઉત્પાદન માટેની લીઝ તાત્કાલિક રદ કરવાની રહે છે, એમ સ્પષ્ટ જણાવ્યું હતું. વિશેષમાં કડોલ-ભરૂડિયાના રણને જોડતો આ વિસ્તાર અભયારણ્ય ઘોષિત થયેલા હોવાથી હવે તેની નવેસરથી માપણી કરી ડીએલઆરઆઇ દ્વારા નવા નકશા વગેરે બનાવવાની પણ હુકમમાં જાણ કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer