આપઘાત-અકસ્માતમાં પાંચ જણ ભરખાયા

આપઘાત-અકસ્માતમાં પાંચ જણ ભરખાયા
ભુજ, તા. 11 : જિલ્લામાં પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં વિતેલા 24 કલાક દરમ્યાન માર્ગ અકસ્માત, આપઘાત અને અકસ્માતના જુદાજુદા પાંચ કિસ્સામાં પાંચ જણની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. મરનાર હતભાગીઓમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લામાં અપમૃત્યુના બનાવોનો રોજિંદો સિલસિલો જારી રાખતી આ ઘટનાઓ પૈકી ભુજ શહેરની ભાગોળે માંડવી ધોરીમાર્ગ ઉપર શિવપારસ નજીક ટ્રકની હડફેટે બાઇક આવી જતાં તાલુકાના મિરજાપર ગામના વંકાભાઇ લખુભાઇ રબારી (ઉ.વ.27)નું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું અને તેની પત્ની દેવીબેન (ઉ.વ.24)ને ઇજાઓ થઇ હતી, તો મુંદરા તાલુકામાં સાડાઉ ગામના પાટિયા નજીક બાઇક માર્ગ ઉપર આડી આવેલી ગાય સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ દ્વિચક્રીના ચાલક રતાડિયા (મુંદરા)ના વાલજી નાગશીં મહેશ્વરી (ઉ.વ. 42)ને મોત આંબી ગયું હતું. બીજીબાજુ ગાંધીધામ ખાતે કાસેઝમાં કંપનીમાં કામ કરી રહેલો નરેશ રામસંગ પરમાર (ઉ.વ.19) નામનો કામદાર ઉંચાઇએથી પટકાવાથી મોતને ભેટયો હતો, જ્યારે ગાંધીધામ શહેરમાં જ મુકેશ ખેરાજ મહેશ્વરી (ઉ.વ.19)એ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલું કરી લીધું હતું, જ્યારે મુંદરા નગરમાં તૃપ્તિબા અશોકાસિંહ જાડેજા (ઉ.વ.33) દ્વારા ગળેફાંસો ખાઇને કોઇ કારણોસર આત્મહત્યા કરી લેવાઇ હતી. પોલીસ સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર શિવપારસ પાસે આજે સવારે 11.30 વાગ્યાના સુમારે જી.જે.12-ડી.ડી.- 8838 નંબરની બાઇક જી.જે. 12-એ.ટી.-8475 નંબરની ટ્રકની હડફેટમાં આવી જવાથી પત્નીની નજર સમક્ષ યુવાન પતિના મૃત્યુની કરુણ ઘટના બની હતી. આ પ્રકરણમાં ભોગ બનનારા મિરજાપર ગામના વંકાભાઇ રબારી અને તેમના પત્ની દેવીબેન બાઇક ઉપર રતાડિયા ગામેથી મિરજાપર આવી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. અત્યંત ગંભીર ઇજાઓ પામેલા વંકા રબારીનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું, જ્યારે દેવીબેનને ઇજાઓ થતાં તેમને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ સાડાઉ ગામની ભાગોળે ગામના પાટિયા નજીક ગઇકાલે સંધ્યા સમયે જી.જે.12 એ.પી.-7602 નંબરની બાઇક માર્ગ ઉપર આડી ઉતરેલી ગાય સાથે અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ કિસ્સામાં બાઇકના ચાલક રતાડિયાના વાલજીભાઇ મહેશ્વરીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમનું તત્કાળ મૃત્યુ થયું હતું. સહસવાર ગુંદાલા ગામના ગાવિંદ પ્રેમજી સોંધરા મહેશ્વરી (ઉ.વ.27)ને ઇજાઓ થઇ હતી. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંદરા-ગુંદાલા રોડ ઉપરની આ ઘટના બાબતે મૃતક ચાલક સામે ઇજાગ્રસ્તે ફરિયાદ લખાવી હતી. મુંદરા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. દરમ્યાન અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ગાંધીધામ શહેરમાં આજે અપમૃત્યુની બે ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ સાધનો પાસેથી આ વિશે મળેલી માહિતી મુજબ કાસેઝ ખાતે કાર્યરત લાયઝર કંપનીમાં ઉંચાઇ ઉપર કામ કરતા સમયે અકસ્માતે નીચે પટકાયેલા નરેશ પરમાર નામનો નવયુવાન કામદાર મોતના મુખમાં ધકેલાયો હતો. કાર્ગો વિસ્તારમાં રહેતો આ હતભાગી કંપનીમાં ગતરાત્રે કામ કરી રહ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડયો હતો. જ્યારે બીજા કિસ્સામાં ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં અગાઉ ગળેફાંસો ખાનારા મુકેશ મહેશ્વરી નામના નવયુવાને પણ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ હતભાગીએ ગત તા. 4થીના પોતાના ઘરના રસોડામાં ફાંસો ખાઇ લીધો હતો. બાદમાં સ્થાનિકેની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રે તેણે દમ તોડયો હતો. આ ઉપરાંત અપમૃત્યુની અન્ય એક ઘટના મુંદરા નગરમાં રિદ્ધિનગરમાં તૃપ્તિબા જાડેજા નામની પરિણીતાના રૂપમાં બની હતી. ગઇકાલે મધ્યાહ્ને આ પરિણીત યુવતીએ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને પોતાના જીવનનો અંત આણી લીધો હતો તેવું પોલીસે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer