જદુરામાં દેશી હથિયારોનું મિની કારખાનું

જદુરામાં દેશી હથિયારોનું મિની કારખાનું
ભુજ, તા. 11 : તાલુકાના જદુરા ગામે રેહા ગામ તરફના માર્ગ ઉપર આવેલા મકાનમાંથી પોલીસદળે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે દેશી હથિયારો બનાવવાની મિની ફેકટરી પકડી પાડી હતી. આ પ્રકરણમાં બે દેશી બંદૂક અને એક બંધ હાલતના તમંચા સહિતની આનુષંગિક શત્રસામગ્રી કબજે કરાઇ હતી. શરૂઆતના તબક્કે હાથમાં ન આવેલા આરોપીને બાદમાં પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનશોધક શાખા દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે જદુરા ગામે રેહા ગામ તરફના માર્ગ ઉપર નવાવાસની ત્રીજી શેરીમાં આવેલા રહેમતુલ્લા ઓસમાણ થેબાના રહેણાંકના મકાન ખાતે દરોડો પાડીને દેશી હથિયારોનું મિની કારખાનું ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કામગીરી અંતર્ગત ઘરમાંથી સિંગલ બેરલની મજરલોડ એક બંદૂક, એક બાર બોરની સિંગલ બેરલની બંદૂક, એક બંધ હાલતનો દેશી તમંચો, બાર બોરના ખાલી વપરાયેલા 101 કારતૂસ, બાર બોરના ફરીથી ભરાયેલા આઠ કારતૂસ, પાના, નટબોલ્ટ અને હથોડી સહિતના સાધનોનું ટૂલબોકસ, બંદૂકના છરા અને ગોળીઓ બનાવવા માટેનું સીસું, ઝીણા છરા, ટોટીઓ વગેરે ઉપરાંત લાકડાનું ખાલી બટ, મોટી પ્રીંગ, કારતૂસ રાખવાનો પટ્ટો, લોખંડના બે છૂટા રોડ અને પાંચ છૂટા ટ્રિગર વગેરે શત્રસામગ્રી કબજે કરાઇ હતી. દરોડાની આ કાર્યવાહી બાદ માનકુવા પોલીસ મથકમાં વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો. હાથમાં ન આવેલા રહેમતુલ્લા થેબાને બાદમાં ગણતરીના કલાકોમાં તપાસનીશ ટુકડીએ પકડી પાડયો હતો. આ સ્થળે કેટલા હથિયાર બન્યા અને કોનેકોને અપાયા તેના સહિતની વિગતો ખૂલવાની સંભાવના પોલીસે દર્શાવી હતી. કેસની તપાસ એલ.સી.બી.એ પોતાના હસ્તક જ રાખી છે. કાર્યકારી ઇન્સ્પેકટર એમ.બી. ઓઆસુરા સાથે સ્ટાફના સભ્યો તપાસ ચલાવી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer