વન-ડેમાં પંતને તક : કોહલી ફરી કેપ્ટન

વન-ડેમાં પંતને તક : કોહલી ફરી કેપ્ટન
નવી દિલ્હી, તા. 11 : વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની પહેલી બે વન ડેની ભારતીય ક્રિકેટ ટીમમાં  પૂર્વ સુકાની અને અનુભવી વિકેટકીપર-બેટસમેન એમએસ ધોનીના કવર માટે યુવા રિષભ પંતની પસંદગી થઇ છે. સુકાની તરીકે ફરી વિરાટ કોહલીની વાપસી થઇ છે. રિષભ પંતને દિનેશ કાર્તિકના સ્થાને પસંદ કરાયો છે. જ્યારે પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ફરી વિશ્રામ અપાયો છે. આથી ટેસ્ટ બોલર મોહમ્મદ શમીનો લગભગ એક વર્ષ બાદ વન ડે ટીમમાં સમાવેશ થયો છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા અને કેદાર જાધવ ટીમની બહાર છે. બન્નેને એશિયા કપ દરમિયાન ઇજા થઇ હતી. એશિયા કપમાં બે મેચ રમનાર યુવા ઝડપી બોલર ખલીલ અહમદ પહેલી બે વન ડેની ટીમમાં જળવાઇ રહ્યો છે. અંબાતિ રાયડૂ, કેએલ રાહુલ અને મનીષ પાંડે મિડલઓર્ડર બેટસમેન તરીકે ટીમમાં ટકી રહ્યા છે. ધોનીના બેટથી નબળા દેખાવને લીધે પસંદગીકારોએ તેના વિકલ્પ તરીકે યુવા રિષભ પંતને તક આપી છે. પંતે ઇંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટમાં સદી કરી હતી અને વિન્ડિઝ સામે રાજકોટમાં આક્રમક 92 રન કર્યાં હતા. વન-ડે શ્રેણીની પહેલી બે મેચ 21મીએ ગુવાહાટી અને 24મીએ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. વન-ડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે, એમએસ ધોની, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહેમદ, શાર્દુલ ઠાકુર, કેએલ રાહુલ અને યજુર્વેન્દ્ર ચહલ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer