પૃથ્વીની તુલના કોઇ સાથે ન કરો : કોહલી

હૈદરાબાદ, તા. 11 : ભારતીય સુકાની વિરાટ કોહલીએ યુવા ખેલાડી પૃથ્વી શોની તુલના અન્યથી નહીં કરવા અને એક ક્રિકેટર તરીકે તેને પરિપકવ બનવા માટે પર્યાપ્ત સમય આપવા અપીલ કરી છે. શોએ પહેલી ટેસ્ટમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની તુલના મહાન સચિન અને સેહવાગ સાથે થઇ રહી છે. બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કોહલીએ જણાવ્યું હતું કે તેને (પૃથ્વી) લઇને કોઈ નિર્ણય બાંધી લેવો જોઇએ નહીં. તેને ક્ષમતા અનુસાર પર્યાપ્ત સમય આપવો જરૂરી છે. તે ઘણો પ્રતિભાશાળી છે અને બધાને ખબર છે કે તેનામાં કૌશલ કેવું છે. અમે ઇચ્છીએ છીએ કે તે પહેલી ટેસ્ટ જેવું પ્રદર્શન અહીં પણ કરે. લોકો તેની તુલના કોઇ સાથે ન કરે. અમે તેને કોઇ એવી સ્થિતિમાં નથી રાખવા માગતા કે જેથી તે દબાણ મહેસૂસ કરે. સુકાની કોહલીએ એમ પણ જણાવ્યું કે ટીમના યુવા ખેલાડીઓ પહેલાથી વધુ આત્મવિશ્વાસથી ભરેલા છે. હવે 10-1પ વર્ષ પહેલાંની સ્થિતિ નથી. યુવા ખેલાડીઓને હવે વધુ મોકળાશ મળે છે. જો કે દેશ માટે રમતી વખતે દરેક ખેલાડી થોડું દબાણ તો મહેસૂસ કરે જ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer