કચ્છની ગર્ભવતી મહિલાઓમાં ખાસ જોવા મળતી રક્તચાપની તકલીફ

ભુજ, તા. 11 : કચ્છમાં ગર્ભવતી મહિલાઓમાં જોવા મળતા પ્રેસરના લક્ષણો, નિદાન અને સારવાર ઉપરાંત નિદર્શન અહીંની અદાણી મેડિકલ કોલેજના પી.જી.માં દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા ડો. ધ્વનિ મહેતાને રાજ્યના ત્રીરોગ નિષ્ણાત તબીબોની કોન્ફરન્સમાં રજૂ કરવા બદલ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. જામનગર ખાતે તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઓબ્સ્ટ્રેટીશિયન અને ગાયનેકોલોજી સોસાયટી દ્વારા કોન્ફરન્સ આયોજિત કરાઇ હતી. ડો. ધ્વનિ મહેતાએ ગુજરાતની શ્રેષ્ઠ નિષ્ણાતોની પેનલ સમક્ષ?પ્રેઝન્ટેશન આપતાં રજૂઆત કરી હતી કે સીમાવર્તી કચ્છમાં ગર્ભવતી મહિલામાં પ્રેસરની તકલીફ?ખાસ જોવા મળે છે. જેમાં ભાગ્યે જોવા મળતા પોસ્તીરીયર વાર્સેબલ સિન્ડ્રોમ એન્ફિલોપથી અને ઘણીવાર ખેંચની પીડા જોવા મળે છે જેની સારવાર આપવામાં આવતાં રાહત જોવા મળી છે. અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાં જોખમી કહી શકાય તેવા ગર્ભવતી મહિલાના કેસ સમગ્ર કચ્છમાંથી રિફર કરવામાં આવે છે. સતત 24 કલાક સેવા આપતી આ ત્રીરોગ ચિકિત્સા શાખામાં સંપૂર્ણપણે નિદાન-સારવાર કરવામાં આવે છે એમ?જણાવી ડો. મહેતાએ ઉમેર્યું હતું કે, આ બધી ગર્ભવતી બહેનોએ બ્લડપ્રેસરની ચકાસણી નિયમિત કરાવવી જોઇએ જેથી જન્મ લેનાર બાળક અને માતા ઉપર કોઇ ભવિષ્યમાં આડઅસર જોવા ન મળે. આ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યની સાથે કચ્છમાંથી પણ ત્રીરોગ નિષ્ણાત ઉપસ્થિત રહ્યા હતા અને ગેઇમ્સના ડો. સિદ્ધિ, ડો. ઊર્વાંગી અને ડો. સ્નેહલે પણ નિદર્શન આપ્યું હતું. આ તમામ નિવાસી તબીબોએ શાખાના વડા ડો. નિમિષ પંડયાના માર્ગદર્શન હેઠળ નિદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ડો. પંડયાની કાર્યદક્ષતા હેઠળ તબીબોને પાંચમી વખત ચંદ્રકો પ્રાપ્ત થયા છે.