સામખિયાળી-ભચાઉ રેલવે મથકે લિફ્ટ લગાડવા ટીમ વાગડ દ્વારા તૈયારીઓ

સામખિયાળી-ભચાઉ રેલવે મથકે લિફ્ટ  લગાડવા ટીમ વાગડ દ્વારા તૈયારીઓ
ભચાઉ, તા. 11 : સામખિયાળી તથા ભચાઉ રેલવે સ્ટેશન પર પ્રવાસી સુવિધા માટે વાગડ વીશા ઓસવાળ જ્ઞાતિના સંગઠન `ટીમ વાગડ' દ્વારા સવારે 6.30 કલાકે એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સામખિયાળી અને આજુબાજુના ગામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  વાગડ વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા, સામખિયાળી સરપંચ ચનાભાઈ, રેલવે સ્ટેશન અધીક્ષક અને મુંબઈથી `ટીમ વાગડ'ના કન્વીનર તેમજ વાગડ વીશા ઓસવાળ ચોવીસી મહાજનના માજી પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા, ઉપપ્રમુખ દીક્ષિત સાવલા ઉપસ્થિતિ રહ્યા હતા. સામખિયાળી અને ભચાઉ એ વાગડ વિસ્તારના મહત્ત્વનાં રેલવે સ્ટેશનો છે. આ બંને રેલવે સ્ટેશનથી હજારો પ્રવાસીઓ આવન-જાવન કરે છે. પરંતુ તેમ છતાં રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓ માટે સુવિધાઓનો અભાવ છે. આ બાબતે વાગડમાં અને મુંબઈ વસતા વાગડવાસીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. રેલતંત્ર તરફથી આ બન્ને રેલવે સ્ટેશન ઉપર નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે `ટીમ વાગડ' નામનું સંગઠન કાર્યરત છે અને ટીમ વાગડ દ્વારા બન્ને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને બેસવા માટે પચાસ સિમેન્ટના બાંકડા બેસાડવામાં આવ્યા હતા જેનું લોકાર્પણ ધારાસભ્ય અને સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંઈબથી આશાપુરા મિત્ર મંડળ-વાગડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.  બંને રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર એક ઉપર લિફટ લગાવવા અને છાંયડા માટે શેડની લંબાઈ વધારવા તેમજ અન્ય સુવિધાઓ માટે `ટીમ વાગડ' દ્વારા રેલવે પ્રશાસન પાસે માગણી કરવામાં આવી છે. આ સંસ્થાએ જો રેલ પ્રશાસન મંજૂરી આપે તો સ્વખર્ચે લિફ્ટ લગાડવાનું બીડું ઝડપ્યું છે અને તેનું મેઈન્ટેનન્સ કરવા પણ `ટીમ વાગડ'એ રેલ પ્રશાસન સમક્ષ તૈયારી બતાવી છે. આ માટેના આવેદનપત્ર ડી.આર.એમ. તેમજ એ.આર.એમ.ને આપવામાં આવ્યાં છે. વાગડના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં વાગડમાં દુષ્કાળને લઈને ઊભી થયેલી પરિસ્થિતિમાં મહામૂલા પશુધનને બચાવી લેવા જીવદયાનાં કાર્યો કરવા માટેની તૈયારી ચાલી રહી છે. સામખિયાળી પ્લેટફોર્મ પર યોજાયેલા કાર્યક્રમમાં `ટીમ વાગડ'ના કન્વીનરો અમરશી ગુણશી સત્રા, અમરશી ગોકળ ગડા, નવીન હંસરાજ છેડા, દિલીપ દામજી શાહ, રવજીભાઈ પાલણ ગડા તેમજ પ્રકાશ નાનજી નંદુ, નેમચંદ કોરશી બૌવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જયરામભાઈએ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer