બન્નીમાં ગાંડા બાવળનો નાશ કરાય તો માલધારીઓને પુષ્કળ ઘાસ મળે

બન્નીમાં ગાંડા બાવળનો નાશ કરાય  તો માલધારીઓને પુષ્કળ ઘાસ મળે
હાજીપીર (તા. ભુજ), તા. 11 : બન્ની વિસ્તાર ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત છે, પણ નહિવત વરસાદના કારણે આ વિસ્તારમાં ઘાસ માટે માલધારીઓને જ્યાં ત્યાં ભટકવું પડે છે, તે માટે જળ અને પરિસરીય તંત્રનું પુન: સ્થાપના અને સ્થિતિની સ્થાપકતામાં વધારો કરવા માટે હાજીપીર ખાતે કાઝરી અને ગીર ફાઉન્ડેશન દ્વારા એક દિવસની તાલીમ અપાઇ હતી. બન્ની વિસ્તારમાં ગાંડા બાવળનો નાશ કરવામાં આવે તો પૌષ્ટિકતાવાળું ઘાસ વાવી શકાય છે, જેનાથી માલધારીઓને પુષ્કળ પ્રમાણમાં ઘાસ મળી શકે છે. 2017માં ગુજરાત રાજ્ય તરફથી ગીર ફાઉન્ડેશન દ્વારા બનાવેલી દરખાસ્ત ભારત સરકારની ઉચ્ચ સમિતિ નેશનલ સ્ટેરિંગ કમિટી ઓન કમિટી ચેન્જ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેના માટે ગીર ફાઉન્ડેશનને (એનએએફસીસી) દ્વારા પસંદગી કરવામાં આવી છે. કચ્છના ત્રણ તાલુકાની પસંદગી કરવામાં આવી છે. ભચાઉ તાલુકાના ખડીર બેટના 10 ગામડાં, અબડાસાના 10 ગામ ને વાંઢો તથા ભુજ તાલુકાના બન્ની વિસ્તારના 10 ગામો ને વાંઢોની આ યોજના માટે ભંડોળ 21.35 કરોડ ચાર વર્ષના સમયગાળામાં વાપરવાનો છે. જુલાઇ 2017થી જૂન 2021ના સમયગાળામાં બન્ની વિસ્તારના હાજીપીર, બુરકલ, લુણા નાના, મોટા, ભિટારા નાના-મોટા, અલ્લાજુડિયા વાંઢ, ગોરેવાલી, સિણિયારો, ઉડો, પન્નાવરી, આધિયાંગ ગામોમાં ઘાસના પ્લોટ, તળાવ, બન્નીની મહિલાઓને કાચો માલ આપી ભરત - ગૂંથણનો સામાન આપી મહિલાઓને રોજગારી આપવી, જેવી બીજી અનેક યોજનાઓ સામેલ છે. ગીર ફાઉન્ડેશનના શ્રી મેદપરા (કાઝરીના ડો. દેવીદયાલ), સીતારામ આરએફઓ વનવિકાસ (બન્ની)ના શ્રી ચાવડા, શ્રી મકવાણા, સચિન પટેલ, અનિતાબેન પરમાર વગેરેએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં હાજીપીર ગામના લોકોએ મોટી સંખ્યામાં તાલીમનો લાભ લીધો હતો. ત્યારબાદ વન અને પર્યાવરણ પર નિબંધ સ્પર્ધામાં હાજીપીર પ્રાથમિક શાળાના બાળકોને પુરસ્કાર અપાયા હતા. સંચાલન હાજીપીર પ્રા. શાળાના આચાર્ય ચિરાગભાઇએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer