પૂરતી વીજળી માટે વિદ્યુત મથકને ખેડૂતોનો ઘેરો

પૂરતી વીજળી માટે વિદ્યુત મથકને ખેડૂતોનો ઘેરો
વિથોણ (તા. નખત્રાણા), તા. 11 : વિથોણ પંથકના ખેડૂતોએ પૂરતી વીજપુરવઠો આપવા 66 કે.વી. સબસ્ટેશનને 12 કલાક ઘેરાવ કર્યો હતો. 10 કલાક વીજળી માટે ખેડૂતો દિવસભર તડકામાં શેકાતા રહ્યા હતા. અંતે માંગ સંતોષાતાં પરિસ્થિતિ થાળે પડી હતી. પંથકમાં નહીંવત વરસાદને કારણે ખેતી પેદાશો સુકાઈ રહી છે. ખેતી અને ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. તેવા સમયમાં વીજતંત્ર પણ ખેડૂતો સાથે અવળચંડાઈએ ઊતર્યું હોય તે રીતે 10 કલાકને બદલે આઠ કલાક વીજ પુરવઠો આપવા લાગ્યું છે. અને તે પણ બે-ત્રણ ટૂકડામાં. પાક બચાવવા સંઘર્ષ કરતા ખેડૂતો ઉપર વીજ તંત્રે પડયા પર પાટું માર્યું છે. 66 કે.વી. ઉપર એકત્રીત થયેલા 10 ગામના ખેડૂતોનો આક્રોશ સાતમે આસમાને હતો. તેવા સમયે ખેડૂતોની વેદનાને વાચા આપવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આવ્યા હતા અને ઘટતું કરવા બાંહેધરી આપી હતી. ખેડૂત અગ્રણી ગંગારામભાઈએ રાજકારણી સામે નિશાન તાકીને જણાવ્યું કે, આવું જ ચાલશે તો ખેડૂતો ચૂંટણીમાં જવાબ આપશે. આ પ્રસંગે કિસાન પ્રમુખ બાબુભાઈ વાલાણી, મહામંત્રી શાંતિભાઈ નાથાણી, શિવગણભાઈ નાયાણી, નાનજીભાઈ નાકરાણી, અરવિંદ વાલાણી, અમૃતભાઈ માનાણી વગેરે ખેડૂતોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો. સરકાર જો પશ્ચિમ કચ્છના ખેડૂતોને મદદ નહીં કરે તો ખેડૂતોને નાછૂટકે ખેતીના ઓજારો ખીંટીએ ટાંગવા પડશે તેવું જણાવ્યું હતું. આ ધરણા કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું કે ખાલી વિથોણ પંથક નહીં આખા પશ્ચિમ કચ્છની ખેતીની હાલત દયનીય છે. ખેડૂતો ઓક્સિજન ઉપર આવી ગયા છે. વાડીઓમાં મોલાત સફાચટ થવા લાગી છે. ખેડૂતોની વાડીએ દાવાનળ બળે છે અને તંત્ર નિદ્રામાં છે. જો તંત્ર ખેડૂતોની વહારે નહીં આવે તો ખેડૂતોને નાછૂટકે પલાયન થવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer