ભુજમાં જીપમાં 97 હજારનો શરાબ લઇને જતા ત્રણ શખ્સને ઝડપાયા

ભુજમાં જીપમાં 97 હજારનો શરાબ   લઇને જતા ત્રણ શખ્સને ઝડપાયા
ભુજ, તા. 11 : શહેરની ભાગોળે ભીડનાકા બહાર માધાપર હાઇવે ઉપર આત્મારામ ચકરાવા નજીક બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને તુફાન જીપમાં રૂા. 96600ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી પડાયો હતો. આ પ્રકરણમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઇ છે, જ્યારે દારૂ મગાવનારો ભુજનો શખ્સ હાથમાં આવ્યો ન હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જી.જે.02-વાય.-3710 નંબરની તુફાન ક્રુઝર જીપમાંથી આ કિસ્સામાં શરાબની 23 પેટી અર્થાત 276 બાટલી કબ્જે કરાઇ હતી. આ જથ્થાની કિંમત રૂા. 96600 અંકારવામાં આવી છે. દારૂના જથ્થા સાથે જીપમાં સવાર ભુજના જાવેદ સિદિક કુરેશી, સોહિલ મહમદશરીફ ટાંક અને કિરીટ ગોપાલાસિંહ સરદારની ધરપકડ કરાઇ હતી. દારૂનો આ જથ્થો ભુજના જૂની રાવલવાડીમાં રહેતા મહેન્દ્રાસિંહ ઉર્ફે મુન્નો ઝાલાએ મંગાવ્યો હોવાનું પકડાયેલા તહોમતદારોની પૂછતાછમાં બહાર આવ્યું છે. આ શખ્સ હાથમાં આવ્યો નથી. પોલીસે તમામ ચાર આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ખાંટની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ પંકજ કુસવાહની બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં બી. ડિવિઝન મથકના સ્ટાફના સભ્યો જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer