જૂની મોટી ચીરઇમાં 2.79 લાખનો શરાબ ઝડપ્યો

જૂની મોટી ચીરઇમાં 2.79 લાખનો શરાબ ઝડપ્યો
ગાંધીધામ, તા. 11 : ભચાઉમાં સાધ્વીજી ઉપર થયેલા હુમલાનાં પગલે આર.આર. સેલની ટીમ ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન જૂની મોટી ચીરઇમાંથી રૂા. 2,79,800નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પરંતુ દારૂ રાખનાર ત્રણ શખ્સો પોલીસના હાથમાં આવ્યા નહોતા. ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં રહેલી આર.આર. સેલની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે જૂની મોટી ચીરઇ ગામમાં આશાપુરા મંદિરની પાછળ બાવળોની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. આ જગ્યા ઉપર વોચમાં બેઠેલા ચોકીદારે ઇશારો કરી દેતાં ચીરઇનો યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, જગદીશસિંહ ઉર્ફે મુન્નો ગટોરસિંહ વાઘેલા તથા રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અન્ય જગ્યાએથી અહીં દારૂ મગાવી અહીં કટિંગ કરાયું હતું અને બાવળની ઝાડીઓમાં રહેલો આ દારૂ બાજુમાં આવેલી ઓરડીઓમાં સંતાડવાનો હતો દરમ્યાન પોલીસ ત્રાટકી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આર.આર. સેલે આ જગ્યાએથી જેમ્સ એમસી ગીલની બે પેટી, બોમ્બે સ્પેશિયલ વિસ્કીના 100 એમ.એલ.ના 230 કવાર્ટરિયા અને બે માઉન્ટ પ્રીમિયમ બિયરના 1656 ટીન એમ કુલ રૂા. 2,79,800નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. અમુક માલ અહીં ઊતર્યો હતો તો અમુક અન્ય જગ્યાએ કટિંગ થયો હોવાની આશંકા સાથે અન્ય જગ્યાએથી દારૂ કબ્જે કરવા કવાયત હાથ ધરાઇ છે. આ દરોડામાં સેલના પરિક્ષીતસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજા જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer