બન્નીમાં ઘાસની વ્યવસ્થા કરી, મહેસૂલી હક્ક આપવા માંગ

હોડકો (બન્ની), તા. 11 : બન્ની વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો તથા પીવાના પાણીની તંગી ઊભી થઇ હોવાથી યોગ્ય વ્યવસ્થા કરવા તથા વન અધિકાર અધિનિયમ હેઠળ ગામોને મહેસૂલી ગામોમાં ફેરવવા બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. સંગઠનના પ્રમુખ મીરાશા ધોધા મુતવાએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમારું સંગઠન એ બન્ની વિસ્તારના માલધારીઓનું સંગઠન છે. બન્નીનાં 50 ગામમાં ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં જેવા પશુઓની અંદાજિત 1,50,000 સંખ્યા છે. બન્નીના દરેક ગામમાં હાલે ઘાસચારા અને પીવાના પાણીની તીવ્ર તંગી વર્તાઇ રહી છે. ઘાસ અને પાણીની તંગીને કારણે પશુઓનું દૂધ ઉત્પાદન પણ સાવ ઓછું થઇ ગયું છે અને પશુપાલકો આર્થિક સંકટનો અનુભવ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાનાં પશુઓને મોંઘા ભાવનું ઘાસ ખરીદીને પશુઓને નિભાવવા માટે સક્ષમ નથી, જેથી ઘણા માલધારીઓ પોતાનાં પાંકડ અને દુધાળાં ઢોરની સાથે અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર થયા છે. અન્ય એક પત્રમાં તેમણે, આદિવાસી અને અન્ય પરંપરાગત વન નિવાસી કાયદા લાગુ થયા પછી કોઇપણ પ્રકારના વનની જમીનોમાં સર્વે સેટલમેન્ટ કરવા, વનગામોને મહેસૂલી ગામોમાં તબદીલ કરવા આ અધિનિયમની કલમ મુજબ જ કામગીરી કરવાની થાય છે તે કરવા જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer