કેન્દ્રીય મંત્રી નિરોણાના પ્રશ્નોનો નિવેડો લાવે તો દત્તક લેવાનું સાર્થક

નખત્રાણા, તા. 11 : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યારે નિરોણા ગામને દત્તક લીધું છે ત્યારે હાલ ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનો નખત્રાણા તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય રાજેશ મમુભાઈ આયરે આક્ષેપ કર્યો હતો કે લોકોને શિક્ષણ, પાણી અને આરોગ્ય જેવી સેવાઓને અભાવે ગામ ખાલી કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તા.પં. સભ્ય રાજેશભાઈએ જણાવ્યું હતું કે, નિરોણા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા હરિપુરા તથા અમૃત ફાર્મમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ટ્રાન્સપોર્ટેશન સુવિધા છેલ્લા 2 મહિનાથી બંધ પડી છે. ગામની 40 વર્ષ જૂની પાણીની લાઈન બદલવાની કામગીરી માટે નવી લાઈન મંજૂર થઈ છે. જેનો લોકફાળો અંદાજિત 2.70 લાખ ભરાઈ ગયો હોવા છતાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાતી નથી. નિરોણા તથા આજુબાજુના લગભગ 40થી વધુ ગામો માટે આરોગ્યલક્ષી સુવિધાઓ પી.એચ.સી. ને સી.એચ.સી.ની સુવિધા મળે તો 50 હજારથી વધુ વસ્તીને લાભ મળે, વારંવાર રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી. આ ગામના કારીગરોનું રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. દશથી વધુ કારીગરોની કલા ધરાવતા ગામ માટે ગ્રામ હાટ બનાવવાનું માત્ર કાગળ ઉપર જ છે. નિરોણાથી અમૃત ફાર્મ રસ્તો વર્ષ 2011માં ધોવાઈ ગયો છે. નિરોણા ડેમની 5 હજારથી વધારે હેક્ટર જમીનની પિયત હોવા છતાં ડેમની કેનાલ પર લિફ્ટ એરિગેશન માટેની કોઈ જ કાર્યવાહી હાથ ધરાતી નથી. નિરોણા ડેમની ઉપર હજુ એક ડેમ સુરલાઈ તળાવ ડેમ બનાવવામાં આવે તો વન્ય પ્રાણીઓ, પશુ, પક્ષીઓ માટે તથા નિરોણા વિસ્તારના ડુંગરાળ વિસ્તારના 10 હજારથી વધુ પશુધન માટે આશીર્વાદરૂપ બની શકશે. તા. 12ના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવી રહ્યાં છે ત્યારે આ કામોને ધ્યાને લઈ નીવેડો આવે તો જ સાચા અર્થમાં આ ગામને દત્તક લેવાનું સાર્થક ગણી શકાય તેવું શ્રી આયરે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer