પ્રાથમિક છાત્રોને પાસ કરવાના છે છતાં ભયનો માહોલ શા માટે ?

ભુજ, તા. 11 : રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. 3થી 8ના વિદ્યાર્થીઓની કેન્દ્રીય ધોરણે કોમન પરીક્ષા લેવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર દ્વારા પરીક્ષા પદ્ધતિ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. પરિપત્રની જોગવાઈ મુજબ સમગ્ર રાજ્યમાં આગામી તા. 24 ઓક્ટોબરથી શરૂ થતી શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષામાં પોતાની શાળાના શિક્ષકોના બદલે અન્ય શાળાના શિક્ષકો પાસે સુપરવિઝન કરાવવા તથા પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી પણ અન્ય શાળાઓના શિક્ષકો પાસે કરાવવા સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગના આવા તઘલખી નિર્ણયની ચોમેર ટીકા થઈ રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યના પ્રા. શિક્ષકોમાં રોષ ફેલાયો છે. કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશ ગોસ્વામીએ રાજ્ય સંઘના પ્રમુખ તથા મહામંત્રીને પત્ર લખીને આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. તો તેમના જણાવ્યા અનુસાર આ રીતે શિક્ષકોની નિષ્ઠા ઉપર સવાલ કરી બાહ્ય સુપરવિઝન તથા બાહ્ય મૂલ્યાંકનનો શો મતલબ છે ? આર.ટી.ઈ. જોગવાઈ મુજબ કોઈપણ બાળક પરીક્ષા આપે કે ન આપે તો પણ તેને પાસ કરવાના છે, તો પછી ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા જેવું ચુસ્ત વાતાવરણ ઊભું કરી ભયનો માહોલ સર્જવાનો શો અર્થ છે ? વળી માત્ર ત્રણ જ દિવસમાં ઉત્તરવહીઓ તપાસી મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવું પણ શક્ય ન હોઈ આ પરિપત્ર રદ કરવા માંગ કરાઈ છે. આ મુદ્દે રાજ્ય સંઘ દ્વારા પણ શિક્ષણ સચિવ તથા નિયામકને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer