જોગણીનારમાં અગરિયાઓની સુરક્ષા અર્થે ત્રણ કરોડનું સાયકલોન સેન્ટર બંધાશે

ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાનાં જોગણીનારમાં રાજ્ય સરકાર દ્વારા કુદરતી આફતમાં અગરિયા અને માછીમારોને સુવિધા આપવા અર્થે રૂા. 3 કરોડના ખર્ચે સાયકલોન સેન્ટર બનાવવા માટે નિર્ણય લેવાયો છે. અંજાર તાલુકા દરિયાકાંઠે આવેલા તુણા, રામપર, વંડી, વીરા, સંઘડ સહિતના વિસ્તારમાં મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓ અને માછીમારોને વાવાઝોડું તથા ભારે વરસાદ જેવી કુદરતી આફતમાં રક્ષણ આપવા માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ મુદ્દે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મીઠા ઉદ્યોગના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ રજૂઆત કરી હતી તેમજ શ્રી આહીર જ્યારે મીઠા ઉદ્યોગના સંસદીય સચિવ હતા તે સમયે પણ તેઓએ આ મુદ્દે પ્રકાશ પાડયો હતો. મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓલ ઈન્ડિયા સોલ્ટ મેન્યુ. એસો.ના ઉપપ્રમુખ શામજીભાઈ કાનગડ, કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુ. એસો.ના પ્રમુખ બચુભાઈ આહીર સહિતનાએ પણ અગરિયા હિતમાં સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું. જેનાં પરિણામે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાયો હતો. જોગણીનારમાં રૂા. 3 કરોડના સાયકલોન સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોરમાં 8 રૂમો તથા પ્રથમ માળે 8 રૂમો અને રસોડું, કેન્ટીન, મહિલાઓ અને પુરુષ માટે અલગ અલગ શૌચાલય બનાવવામાં આવશે. આ કામ માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને ટેન્ડર બહાર પાડવા સૂચના અપાઈ હતી. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મીઠા ઉદ્યોગ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer