શિક્ષણ માતૃભાષામાં અપાય તો જ બાળકના ઉત્તમ અંશો બહાર આવે

ભુજ, તા. 3 : શિક્ષણ માતૃભાષામાં અપાય તો જ બાળકમાં રહેલા ઉત્તમ અંશો બહાર આવશે તેવું અખિલ ભારતીય મારૂ કંસારા સોની જ્ઞાતિ મહામંડળના પ્રમુખ ભરતભાઇ બગ્ગાએ ભુજમાં જ્ઞાતિ આયોજિત સરસ્વતી સન્માન સમારંભમાં જણાવ્યું હતું. ટાઉનહોલ ખાતે મારૂ કંસારા સોની જ્ઞાતિ ભુજ દ્વારા 425 જેટલા વિદ્યાર્થીઓ અને વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરનારાના યોજાયેલા સન્માન સમારંભના અધ્યક્ષ સ્થાનેથી જ્ઞાતિના પ્રમુખ જગદીશચંદ્ર ડી. ચૌહાણે કહ્યું કે, શિક્ષણનો સંબંધ વ્યક્તિ સાથે જ નહીં, સમાજ સાથે પણ છે. ભુજ પાલિકાના પ્રમુખ લતાબેન આઇ. સોલંકીએ જ્ઞાતિ અને મહિલા મંડળ દ્વારા કરાયેલા સન્માનના પ્રત્યુત્તરમાં કહ્યું કે, જ્ઞાતિએ સીંચેલા સંસ્કારે જ તેમનું ઘડતર કર્યું છે. પૂર્વ પ્રમુખ દિલીપભાઇ બગ્ગાએ કહ્યું કે, શિક્ષણ પદ્ધતિની સાચી સાર્થકતા ત્યારે જ છે જ્યારે પાઠયપુસ્તકનું શિક્ષણ નાગરિકોના જીવનમાં કાર્યાન્વિત થયેલું જોવા મળે. મહિલા મંડળના પ્રમુખ રોહિણીબેન બુદ્ધભટ્ટીએ નવરાત્રિમાં થનારાં આયોજનનો ખ્યાલ આપ્યો હતો. પ્રારંભમાં મંત્રી શાંતિલાલ સોનીએ આવકાર પ્રવચન કર્યું હતું. સમાજને જુદી જુદી ચીજવસ્તુઓનું દાન આપનારા સ્વ. દયારામ મૂળજી ચૌહાણ પરિવાર દ્વારા શાંતાબેન ચૌહાણનું અને ભરતભાઇ હિંમતલાલ બગ્ગા વતી ભાવેશભાઇનું તથા માધાપરના લાયોનેસ ક્લબના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન દિનેશકુમાર પરમાર, રાજ્ય આચાર્ય સંઘના મંત્રી થવા બદલ ચેતનભાઇ આઇ. બારમેડા, શ્રેષ્ઠ શિક્ષક પરેશ ચમનલાલ ગુજરાતી અને લડાખ સુધી 1500 કિ.મી.ની સફર બાઇક દ્વારા કરનારા મુકેશભાઇ બારમેડા, છ તબીબો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ઉત્તીર્ણ થનારા ઉપરાંત નૃત્ય, રમત-ગમત તથા આંતરરાષ્ટ્રીય ભાષામાં ભાગ લેવા બદલ વિવિધ પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. વિપુલ બારમેડાના માર્ગદર્શન હેઠળ મહેશ બારમેડા, તેજલ છત્રાળા, ડેન્સી પોમલ, નીલમ પોમલે સંચાલન કર્યું હતું. વૈભવી મૈચા અને શ્રેયા મૈચાએ ગણેશ વંદના રજૂ કરી હતી. ખજાનચી નીતિન હેડાઉએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જાદૂગર ઇન્દ્રજીતના શોએ જ્ઞાતિજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. કેરા એચ.જે.ડી. કોલેજના પ્રિન્સિપાલ વિવેક પી. ગુજરાતીએ એન્જિનીયરિંગ ક્ષેત્રે આગળ વધતા બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે દાતાઓ બિહારીલાલ બગ્ગા, હર્ષદ બુદ્ધભટ્ટી, વી. પી. પોમલ, યોગેશ છત્રાળા, ધીરજભાઇ બારમેડા, તારાબેન કાનજી બગ્ગા, જ્યોતિબેન બારમેડા, અંજાર પ્રમુખ ફોરમભાઇ પોમલ, પશ્ચિમ કચ્છના પ્રમુખ ધનજીભાઇ બુદ્ધભટ્ટી, માંડવીના પ્રમુખ રમેશભાઇ બિજલાણી, યુવક મંડળના ઉપપ્રમુખ કવિતાબેન બારમેડા, ભુજ સુધરાઇ સભ્યો ચૌલાબેન મયેચા, શાંતાબેન ડી. ચૌહાણ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer