મરવા માટે મજબૂર કરનારા આમરડીના પતિને કેદની સજા

અંજાર, તા. 11 : ભચાઉ તાલુકાનાં આમરડી ગામે પરિણીતાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપી તેને મરવા મજબૂર કરવાના આઠ વર્ષ જૂના કેસમાં આ પરિણીતાના પતિને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા. 12,000નો દંડ અંજારની કોર્ટે ફટકાર્યો હતો તેમજ પરિણીતાના સાસુ-સસરાને નિર્દોષ જાહેર કરાયા હતા. હલરામાં રહેનારા સુજા ભોજા છુછિયાએ પોતાની દીકરી ભાવનાબેનને આમરડી ગામે પરણાવી હતી. દરમ્યાન, આ યુવતીના પતિ ભરત વાઘા કેવર (મણકા), સાસુ વીલાબેન તથા સસરા વાઘા વાવાળ કેવર યુવતીને દહેજ મુદ્દે શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ પ્રસૂતિ પ્રસંગે પણ બાલાપણામાં કાંઇ લાવી નથી તેવા મહેણા-ટોણા મારતા હતા. દરમ્યાન, આ યુવતીએ આવા ત્રાસથી કંટાળીને ગત તા. 3-8-2010ના અંતિમ પગલું ભરી લીધું હતું. ગત તા. 6-8-2010ના સુજાભાઇ છુછિયાએ આ સંદર્ભે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી પૂરતા પુરાવા હોવાથી તહોમતનામું કોર્ટમાં રજૂ કર્યું હતું. અંજારની પાંચમા અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી. એમ. પંચાલે તમામ આધાર-પુરાવા ચકાસી ભરતને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમો તળે પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 12000નો દંડ અને આ દંડ ન ભરે તો વધુ આઠ માસની સખત કેદની સજાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ આશિષ પી. પંડયા હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer