માંડવીમાં ધો. 11-12ના છાત્રો માટે ત્રણ કરોડના ખર્ચે સાયન્સ લેબ બનશે

માંડવીમાં ધો. 11-12ના છાત્રો માટે ત્રણ કરોડના ખર્ચે સાયન્સ લેબ બનશે
માંડવી, તા. 11 : શહેરમાં શિક્ષણક્ષેત્રે શેઠ ખીમજી રામદાસ ટ્રસ્ટ દ્વારા ધો. 11-12 સાયન્સ માટે કચ્છમાં સૌપ્રથમ અત્યાધુનિક સાયન્સ લેબ રૂા. 3 કરોડના ખર્ચે તૈયાર કરવાનું ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. આ લેબનું ભૂમિપૂજન તા. 12-10ના ટ્રસ્ટી કનકસિંહભાઈ ખીમજી તથા કલ્પનાબેન કનકસિંહભાઈના હસ્તે થશે. વિશાળ એરિયામાં નિર્માણ પામનાર સાયન્સ લેબની વિશેષતા અંગે સ્થાનિક ટ્રસ્ટી ભરતભાઈ વેદે જણાવ્યું કે, આ લેબમાં ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી ત્રણ વિભાગમાં સમાવેશ કરવામાં આવશે. સામાન્ય રીતે આપણે ત્યાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર કામ થતું હોય છે જ્યારે આ સાયન્સ લેબ માટે ભૂકંપ અને માંડવીની દરિયાઈ રેતાળ જમીનને ધ્યાનમાં રાખી જાપાન, અમેરિકા જેવા દેશોમાં ચાલતી પદ્ધતિથી પ્રિફેડ ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગ પાયલિંગ વર્કથી જમીનમાં ખોદાણ કર્યા વગર નિર્માણ પામશે. દેશના પ્રથમ દશ આર્કિટેક્ટ એન્જિનીયરોમાંના એક એવા સ્પાઝમ ડિઝાઈન આર્કિટેક્ટ મુંબઈના એન્જિનીયર સંજીવભાઈ પંજાબીએ સ્થાનિક મુલાકાત લઈ ટ્રસ્ટની શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ નિ:શુલ્ક સેવા પ્રદાન કરવાનું જણાવ્યું છે. તેમણે સાયન્સ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે તેવા ઉદ્દેશથી બિલ્ડિંગની દીવાલ ટેરા કોટા કોન્સથી બનાવવામાં આવશે જેનાથી રૂમના બારી-દરવાજા ખુલ્લા હશે કે બારી દરવાજા બંધ હશે તો પણ એ.સી. વગર લેબમાં બેઠેલા વિદ્યાર્થીઓને નેચરલ એ.સી.નો અનુભવ થશે તેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. જે જગ્યાએ બિલ્ડિંગ નિર્માણ કરવાનું છે તે જગ્યાએ લીમડાનું ઝાડ હોય તે વૃક્ષને કાપ્યા વગર બિલ્ડિંગની ડિઝાઈનમાં પોતાની આગવી ટેકનિકથી ફેરફારો કરી વૃક્ષ બચાવવાનો અભિગમ કેળવ્યો છે. આ લેબમાં 70 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે પ્રયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેનું સ્થાનિક કન્સ્ટ્રક્શન મોહમદ હુસેનભાઈ ચાકી તથા સુપરવિઝન દીપકભાઈ સોની દ્વારા કરવામાં આવશે. આર્થિક રીતે આ ટેકનિકથી મોટો ફાયદો થશે. જેમાં એ.સી. કરતાં 50 ટકા ખર્ચ લાગશે અને સંચાલન ખર્ચ માત્ર 25 ટકા જેટલો જ લાગશે. તેની જાળવણી માટે પણ ઓછી કુશળતાવાળા લોકોની જરૂર પડશે જેથી એ ખર્ચ પણ ઓછો લાગશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer