કંડલામાં મોબાઇલ ફોનની લૂંટના બનાવમાં બે ઇસમની ધરપકડ

ગાંધીધામ, તા. 11 : કંડલાના વેસ્ટ ગેટ-બે પાસે બે ચાલકો પાસેથી રૂા. 7500ના મોબાઇલની લૂંટ કરનારા બે ઇસમોની પોલીસે અટક કરી હતી. આ બંને ઇસમોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. કંડલાના વેસ્ટ ગેટ-બે નજીક પાર્કિંગથી આશરે 100 મીટર દૂર ગત તા. 4-10ના બપોરના અરસામાં લૂંટનો આ બનાવ બન્યો હતો. ટ્રક નંબર જી.જે. 11 ટી.ટી. 7031નો ચાલક કૈલાસ તથા અન્ય ચાલક વિશ્રામ પેશાબ કરવા માટે આ જગ્યાએ ઊભા હતા. દરમ્યાન, ત્યાં ત્રણ ઇસમોએ આવી છરી બતાવી આ બંને ચાલકો પાસેથી રૂા. 7500ના બે મોબાઇલની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે તપાસ કરતી પોલીસે કંડલાની બાપટ બજારમાંથી અજિત ઉર્ફે નનકો જંગબહાદુર શુક્લા અને અસગર ઉર્ફે બાટલો ઇન્દ્રીશ મામદ શેખ નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી કુલ્લ સાત મોબાઇલ હસ્તગત કરાયા હતા, જેમાંથી એક મોબાઇલ ચાલક એવા કૈલાસનો હતો તો અન્ય ચાર મોબાઇલ ગાંધીધામથી ચોરી જવાયા હતા તેમજ બે કંડલાથી ચોરાયા હતા અથવા લૂંટ કરાઇ હતી. પકડાયેલા આ બંનેને કોર્ટમાં રજૂ કરાતાં બંનેના તા. 15-10 સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. વેસ્ટ ગેટ પાસે લૂંટના બનાવને અંજામ આપનારો ત્રીજો ઇસમ એવો કિડાણાનો અકબર સિધિક બુટા હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. તેને પકડી પાડવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer