વડાપ્રધાન પાસે ફરિયાદનો પડઘો : ભુજના ડેવલોપર્સ સામે તપાસ શરૂ

ભુજ, તા. 10 : હપ્તાથી પ્લોટની યોજના જાહેર કર્યા બાદ યોજના પૂર્ણ થઇ ગયા છતાંયે પ્લોટ કે રૂપિયા ન આપીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના ભુજના શરીફ ડેવલોપર્સના સંચાલકો સામે દેશના વડાપ્રધાનને થયેલી ફરિયાદનો પડઘો પડયો છે. વડાપ્રધાન કચેરીએથી છુટેલા આદેશના પગલે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા અને મુંદરા પોલીસ મથકે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.  વડાપ્રધાનને આ મામલામાં ફરિયાદ અરજી કરનારા રાજકોટના મહેશભાઇ એમ. ત્રિવેદીને પશ્ચિમ કચ્છ પોલીસની એલ.સી.બી. તથા મુંદરા પોલીસ મથકના સત્તાધીશોએ  લેખિતમાં ભુજના શરીફ ડેવલોપર્સ અને તેના સંચાલકો શરીફ મોગલ અને મહેબુબ લોઢિયા સામે તપાસ આરંભાઇ હોવાની વિગતો લેખિતમાં આપી હતી. એલ.સી.બી.એ આ બાબતે શ્રી ત્રિવેદીને લખેલા પત્ર (નોટિશ)માં તેમને તથા ભોગ બનનારા ગ્રાહકોને પ્રકરણ સબંધિત નિવેદનો લખાવવા માટે ચાર દિવસમાં આધાર પુરાવા સાથે આવવા જણાવાયું  હતું જયારે મુંદરા પોલીસ વતી ઇન્સ્પેકટર એમ.એમ.ચૌહાણે  બે દિવસમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું. અરજદાર હાજર ન થાય તો તેઓ કાંઇ કહેવા કે કરવા માગતા નથી તેવું જણાવી પોલીસ આગળની કાર્યવાહી કરશે તેવું પણ જણાવાયું હતું. દરમ્યાન અરજદાર શ્રી ત્રિવેદીએ એલ.સી.બી.ને વિગતવારનો પત્ર લખી પોતાની 70 વર્ષની ઉમર અને નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શકે તેમ ન હોવાથી જરૂરી દસ્તાવેજો અને આધારો મૂકયા હતા અને તેને રૂબરૂ મળ્યાતુલ્ય માની આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer