સજીવ ખેતીમાં કચ્છ રાહ ચીંધે છે

સજીવ ખેતીમાં કચ્છ રાહ ચીંધે છે
અંબર અંજારિયા દ્વારા
ભુજ, તા. 22 : સજીવ ખેતીની પાંચ હજાર વર્ષ કરતાં પણ પ્રાચીન પરંપરાગત પદ્ધતિથી પકવેલા એરંડા આડેસરથી અમેરિકા સુધી જાય.. નિંગાળ અને નાડાપાના `સજીવ'?એરંડાના તેલમાંથી જર્મનીની કંપની લિપસ્ટિક સહિત સૌંદર્ય પ્રસાધનો બનાવે... સજીવ ખેતી પર ફિલ્મ બને... આઝાદી અગાઉ દેશની જમીનોમાં રસાયણોનું ઝેર નાખનાર `અંગ્રેજી રાજ'ની ઝેરી પ્રથાને જાકારો દઇને કચ્છી કિસાન સજીવ ખેતીના સાથથી માત્ર દેશ જ નહીં, પરંતુ દુનિયાના છેડે પહોંચી જશે તેવી કલ્પના માત્ર પણ કોઇ કિસાને કદી નહીં કરી હોય. કાલે રવિવારે મનોજભાઇ સોલંકીના નેજા તળે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સજીવ ખેતી પર `જાગ્યા ત્યાંથી સવાર' ફિલ્મ રિલીઝ થશે.કચ્છના 60 ટકાથી વધારે ખેડૂતો રસાયણની સાથોસાથ હવે ગોબર, ગૌમૂત્રનો ઉપયોગ કરવા માંડયા છે. ખેતર, ખેડૂત અને ખાનારને બચાવવા હશે તો સજીવ ખેતી સિવાય કોઇ રસ્તો જ નથી તેવું કચ્છના જાગૃત અને પ્રયોગશીલ કિસાનો એકી અવાજે કહી રહ્યા છે. સ્પષ્ટ આંકડા મેળવવા થોડા મુશ્કેલ છે પરંતુ માત્ર?આપણું ગુજરાત જ નહીં સમગ્ર દેશ, દુનિયાના નકશા પર નજર કરીએ તો સજીવ ખેતીના ક્ષેત્રે કચ્છ દુનિયામાં ડંકો વગાડવા માંડયું છે.અલબત્ત, કચ્છમાં સજીવ ખેતીનો ફેલાવો વધુ થાય તે દિશામાં હજુ પણ ઘણા પ્રયાસો કરવા પડે તેમ દેખાય છે. છતાં અન્ય પ્રદેશોની તુલનાએ કચ્છે કમાલ કાઠું કાઢ્યું છે. માંડીને વાત કરતાં પહેલાં ઇતિહાસ પર એક ઉપરછલ્લી દ્રષ્ટિ કરતાં જણાય છે કે આઝાદી અગાઉથી તેમજ આઝાદી પછીથી વરસો સુધી નામશેષ?થઇ ગયેલી સજીવ ખેતીને ફરી ધબકતી કરવા કચ્છમાં યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા ખાસ બેઠક યોજાઇ અને બિદડાના ડો. મૂલચંદ હરિયાએ સજીવ ખેતીની શરૂઆત કરાવી. કચ્છમાં મનોજભાઇ સોલંકી, વેલજીભાઇ?ભુડિયા, શૈલેશ?વ્યાસ, નાનાલાલભાઇ સત્રા વગેરે જાણીતાં નામો છે. બીજા તો અઢી હજારથી વધુ કર્મયોગી કિસાનો સજીવ ખેતી કરી રહ્યા છે.
સજીવ ખેતીનું શિક્ષણયુનિવર્સિટીઓની ફરજ
સજીવ ખેતીને શિક્ષણમાં સ્થાન મળે તો જ ખેડૂત સમુદાયની નવી પેઢી તેનું મહત્ત્વ સમજી શકશે. યુનિવર્સિટી તરફથી ગાય આધારિત, જીવો આધારિત સજીવ ખેતીનું ખાસ પ્રશિક્ષણ મળે તેવું જરૂરી હોવાનું મહત્ત્વપૂર્ણ સૂચન સજીવ ખેતીના પ્રચાર માટે પ્રામાણિક પરિશ્રમ કરતા કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજભાઇ સોલંકી કહે છે.વધુમાં ગાયનાં છાણ, ગૌમૂત્ર પર સંશોધન કરીને ખેડૂતો સુધી વધુ ને વધુ પ્રમાણમાં તેના લાભ પહોંચાડવા, ગાય આધારિત દવા, ખાતર બનાવવા જેવી કામગીરીઓ યુનિવર્સિટી તરફથી થવી જોઇએ. ઘરઆંગણે ખેતરમાં જ ઊભેલા લીમડાનો ઉપયોગ કરવાનું યુનિવર્સિટીઓ કેમ નથી શીખવતી તેવા સવાલ પણ કચ્છના સજીવ ખેતીના પ્રચારકો ઉઠાવી રહ્યા છે.રાત-દિવસ જોયા વિના કચ્છમાં સજીવ ખેતીના વધુ ફેલાવા માટે વ્યાયામ કરતા મનોજભાઇ?સોલંકીએ રામકૃષ્ણ ટ્રસ્ટના નેતૃત્વ તળે કચ્છના 697 ગામોમાં ગૌધનયાત્રા યોજીને ગામેગામ કિસાનોને ગાયનાં ગોબર, મૂત્રનું વિજ્ઞાન સમજાવ્યું, જેના પ્રભાવી પરિણામરૂપે 2600થી વધુ ખેડૂતો સજીવ ખેતી સ્વીકારવા તૈયાર થયા.ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કચ્છના 60 ટકા કિસાનો રાસાયણિક ખાતરોની સાથોસાથ ગોબર, ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરતા થયા છે અને ગાય રાખતા થયા છે.
ખાસ સજીવ ખેતીનો પ્રસાર,જાગૃતિ માટે બની ફિલ્મ
રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ખાસ સજીવ ખેતીને પ્રોત્સાહન સાથે કચ્છના ગામેગામના ખેડૂતો જૈવિક ખેતી અપનાવતા થાય તેવા હેતુ સાથે નિર્માતા રામકૃષ્ણ ફિલ્મ્સના બેનર તળે `જાગ્યા ત્યારથી સવાર' નામે ફિલ્મ બનાવી છે, જે આવતીકાલે રવિવારે રિલીઝ થશે. આ ફિલ્મમાંથી થનારી આવકમાંથી ગાય પર ફિલ્મ બનશે.રાસાયણિક ખેતીમાં માત્ર એનપીએ, યુરિયા અને ડીએપી એમ પાંચ જ પોષક તત્ત્વો પાકને મળે છે, જ્યારે સજીવ?ખેતીમાં 16 પોષક તત્ત્વો મળે છે. આ હકીકતને નજર સામે રાખીને જો વિચારો તો એવું જરૂર કહી શકાય કે સજીવ ખેતી દેશમાં બંધ થઇ અને પાંચેક દાયકા અગાઉ 1965થી રસાયણરૂપી ઝેર જમીનને અપાવા માંડયું, ત્યારથી કાળા માથાનો માનવી માંદો પડવા લાગ્યો, કેમ કે રસાયણોના કારણે 11 પોષક તત્ત્વો શરીરને મળતા બંધ થઇ ગયા.સજીવ ખેતીમાં સૂક્ષ્મ બેક્ટેરિયાથી માંડીને ગાય, ભમરા, મધમાખી, પતંગિયા, પશુ-પંખી, જીવજંતુ સહિત જીવસૃષ્ટિની સજીવ સાંકળ રચાય?છે, જે જમીનની તબિયત સુધારવાની સાથોસાથ માનવ સ્વાસ્થ્યને પણ સદાય નિરોગી રાખે છે. પૃથ્વી પરના વિવિધ જીવની મદદથી થાય તે જ સજીવ ખેતી.
ખેતર, ખેડૂત, ખાનારનેસજીવ ખેતી જ બચાવશે
ભારતીય કિસાન સંઘ કચ્છ વિભાગના પૂર્વ અધ્યક્ષ અને પ્રયોગશીલ કિસાન વેલજીભાઇ ભુડિયા મક્કમ સ્વરે કહે છે કે, ખેતર, ખેડૂત અને ખાનારને બચાવવા હશે તો આજ નહીં તો કાલે પણ સજીવ ખેતી અપનાવવા સિવાય કોઇ?છુટકો જ નથી.છેલ્લા 17 વર્ષ કરતાં વધુ સમયથી 22 એકર જમીનમાં સંપૂર્ણ સજીવ ખેતી કરતા વેલજીભાઇએ જણાવ્યું હતું કે, ખેડૂત ભાઇઓને જીવનભર કામ લાગે તેવી સલાહ છે. ગાયનું દૂધ, છાણ, મૂત્ર તેમજ જૂની છાસના જૈવિક મિશ્રણથી જમીનની તબિયત સુધારશો તો જ અને ત્યારે જ ખરા અર્થમાં હરિયાળી ક્રાંતિનું સ્વપ્ન સાકાર થઇ શકશે.
`સજીવ' એરંડાની સફરઆડેસરથી અમેરિકા સુધી
ભચાઉ અને રાપરના સામખિયાળી, આડેસર આસપાસના 20-22 ગામડાંના 600 જેટલા ખેડૂતો સાથે મળીને સક્રિય નાનાલાલભાઇ સત્રા કહે છે કે, 2007થી સજીવ ખેતી કરીને પકવેલા એરંડાની નિકાસ ક્ષેત્રે કચ્છના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ કામગીરી થઇ છે. બેંગ્લોર સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા આઇએમએ દ્વારા પ્રમાણિત કચ્છી સજીવ એરંડાનું તેલ છેક અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુ.કે., કેનેડા અને જાપાન સુધીની બજારોમાં જાય છે.સજીવ ખેતીથી પકવાતી ખેતપેદાશો પ્રમાણમાં મોંઘી છે, જેના કારણે બજારમાં સામાન્ય વર્ગ તરફથી આવાં ઉત્પાદનોની માંગ ઓછી છે એ વાત સાચી, પરંતુ બજેટને નજર સામે રાખીને લોકો ગણિત માંડે તો સદાય સ્વસ્થ, તંદુરસ્ત રાખતા સજીવ ખેતીના અનાજ રાસાયણિક ખાતરો દ્વારા પકવેલા અન્નથી થતી બીમારીઓ પાછળ થતો ખર્ચ બચાવે છે, એ તથ્યને ધ્યાને લેતાં સજીવ ખેતી સસ્તી છે.રસાયણો આપતાં જમીન તરસી થાય, પાણી વધુ જોઇએ, જેના પગલે જમીન કડક થતાં ફળદ્રુપતા ઘટી જાય. પરિણામે ઉત્પાદનક્ષમતા જમીન ખોઇ બેસે. પાકને પાણીજન્ય રોગો લાગુ પડે. જૈવિક ખેતીના જાણકારો એક વાત એકી અવાજે કહે છે કે, ગાય વિના ખેતી-ખેતર સંભવી શકે જ નહીં. ગાય 16 પોષક તત્ત્વોવાળા ગોબર-ગૌમૂત્રના અણમોલ ખાતર આપી શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer