મોટા લાયજા પંથકમાં સુકાતા મોલથી ચિંતા

મોટા લાયજા પંથકમાં સુકાતા મોલથી ચિંતા
મોટા લાયજા (તા. માંડવી), તા. 22 : કચ્છમાં ચાલુ સાલે મંઢા મીંએ મનમાની કરતાં અછતની કગાર પર આવીને ઊભું છે. પશ્ચિમ માંડવીના કાંઠાળ પંથકમાં અગાઉ વાવણીજોગ વરસાદને પગલે કિસાનોએ કપાસ, મગફળી, રામમોલનું વ્યાપક વાવેતર કર્યું છે. હવે ધરાની `વતર' પાતાળમાં અને આભ ઊંચે જતાં મોલની સાથેસાથે કિસાનોના ચહેરા પણ મૂરઝાઇ રહ્યા છે.મોટા લાયજા પંથકનાં ભાડા, પાંચોટિયા, નાના લાયજા, કિસાનપુર, બાયઠ, ભીંસરા, બાડા, જનકપુર, મોડકુબા, બાંભડાઇ, પદમપર વિસ્તારમાં અત્યાર સુધી ઝાપટાંરૂપી  ઓક્સિજનથી મોલ જીવંત હતો પણ હવે ભાદરવાના તાપ સામે મોલ હારી-થાકીને હાંફી રહ્યો છે. સીમનાં જળાશયોમાં આવેલા થોડા ઘણાં પાણી પણ પંપ વડે ચૂસાઇ જતાં પશુઓને પણ પીવાનાં પાણીનાં ફાફાં પડી રહ્યાં છે. સિંચાઇ માટે પર્યાપ્ત પાણીનાં અભાવે ખેડૂતોએ હવે મોલ બચવાની આશા જ મૂકી દીધી છે.મોલ સુકાવાની શરૂઆત થતાં હવે આ પંથકના ખેડૂતોના મોંઘા બિયારણ, સાધનો, મજૂરી, નિંદામણ, વિખેડા, દવાનું રોકાણ નિષ્ફળ જતાં પડયા પર પાટું જેવો તાલ થયો છે. બીજી બાજુ આ પંથકની સીમમાં થોડું ઘણું ઘાસ તો છે પણ પર્યાપ્ત વરસાદનાં અભાવે હવે આભ ઊંચે ચડી જતાં તેનું આયુષ્ય પણ અલ્પ છે. કડબ ઉત્પાદનના અભાવે વર્ષભર ચારાની તીવ્ર ખેંચ ઊભી થશે. પૈસા ખર્ચવા છતાં ચારો ન મળે તેવી પરિસ્થિતિમાં પશુપાલકોની ચિંતા વધુ ઘેરી બની છે, ત્યારે  અછતની ઊભી થનાર પરિસ્થિતિનાં બિહામણાં ચિત્રો ખેડૂતો, પશુપાલકોને ડરાવી રહ્યાં છે.આ વિસ્તારમાં છેલ્લાં થોડા વર્ષોમાં ડેરી ઉદ્યોગના વિકાસને પગલે પશુપાલન પ્રવૃત્તિને વેગ મળ્યો છે, ચારાના અભાવે પશુઓનો નિભાવ મુશ્કેલ હોઇ અને દૂધ ઉત્પાદન પર સીધી અસર પડનાર હોઇ ડેરી વ્યવસાય પણ ભીંસમાં છે. આ વિસ્તારમાં નર્મદા કેનાલ તૈયાર થઇ રહી છે ત્યારે આ વિસ્તારના સીમના નાના-મોટા ડેમ-જળાશયો નર્મદાનાં નીરથી જલ્દી ભરાય તેવું આયોજન ગોઠવાય તો દુષ્કાળની સમસ્યાનો કાયમી અંત આવે તેવું આ પંથકના કિસાનો ઇચ્છી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer