ભુજમાં બે જૂથનો તાજિયાના જુલૂસ વચ્ચે ડખો : લૂંટ-હુમલાની ફરિયાદ

ભુજ, તા. 22 : શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં આશાપુરા રિંગ રોડ ઉપર સુમરા ડેલીના વળાંક નજીક તાજિયાના જુલૂસ દરમ્યાન અગાઉની અદાવતને લઇને થયેલી મારામારીમાં એક પક્ષ દ્વારા રૂા. 60 હજારની ચેઇનની લૂંટની અને સામા જૂથ દ્વારા છરી વડે હુમલો કરાયાની ફરિયાદો લખાવાઇ હતી. ગત મધ્યરાત્રિએ બનેલી આ ઘટનામાં તાજિયામાં ઢોલ વગાડી રહેલા રૂબાન હાસમ સુમરાને લાત મારી પાડી દઇને તેના ગળા ઉપર છરી રાખવા સાથે તેની પાસેથી રૂા. 60 હજારની સોનાની ચેઇન લૂંટવામાં આવી હોવાની ફરિયાદ ભુજના ઇર્શાદ ઓસમાણ હિંગોરજા અને સુમેર ઘાંચી સામે નોંધાવાઇ છે. જ્યારે સામા પક્ષેથી ઇર્શાદ હિંગોરજા (ઉ.વ. 20) ઉપર ભુજના ઇમ્તિયાઝ હાસમ સુમરા, હાસમ સુમરા અને રૂબાન સુમરા દ્વારા છરીથી હુમલો કરાયો હોવાનો પ્રતિઆરોપ મુકાયો છે તેમ પોલીસ સાધનોએ ફરિયાદોને ટાંકીને જણાવ્યું હતું.  અગાઉ થયેલો ઝઘડો અને છકડો ભટકાવા જેવા મુદ્દા આ ઘટના માટે નિમિત્ત બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer